સુરત, 24 નવેમ્બર : કેન્દ્ર સરકારના ‘ સ્વચ્છતા સર્વેક્ષણ-2021 ‘ અંતર્ગત સુરતને દેશભરમાં સ્વચ્છતામાં દ્રિતીય ક્રમાંક, ‘5 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી ‘ અને ‘સ્વચ્છતા મિત્ર સુરક્ષા ચેલેન્જમાં પાંચમો રેન્ક’ પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આજે સુરત એરપોર્ટ પર સુરત મહાનગરપાલિકા ટીમ અને સફાઈમિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પાલિકાના તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવી શિરમોર સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સુરત મહાનગરપાલિકાના વિભાગીય અધિકારીઓ, સફાઈમિત્રો, આરોગ્ય અધિકારીઓ, વિવિધ ઝોનના સ્ટાફ સાથે સામૂહિક તસવીર ખેંચાવીને ઉત્સાહ અને જુસ્સો વધાર્યો હતો.મુખ્યમંત્રીએ સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને પણ સન્માનિત કરી હતી. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું બેન્ડ વાજાની મધુર સૂરાવલિ છેડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, નાણાં મંત્રી કનુ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડીયા, મેયર હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અજય તોમર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, ડે.મેયર દિનેશ જોધાણી સહિત ધારાસભ્યો, મનપાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

