સુરત, 24 નવેમ્બર : સુરત શહેરના આંગણે બુધવારે ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર ભજપના કાર્યકર્તાઓનો નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સ્નેહમિલન સમારોહ પૂર્વે યુવા મોરચાની બાઈક રેલી સાથે મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું હજારો કાર્યકરોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
સમારોહના સ્વાગત પ્રવચનમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકરોએ મોતની પરવા કર્યા વિના કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ખડેપગે રહી કપરી કામગીરી કરી છે. આ ઉપરાંત 66 જેટલી વેકસીન વાન દરેક વોર્ડમાં ફેરવીને નાગરિકોનુ 100 ટકા વેકસીન માટેનુ કાર્ય કર્યું છે.
આ પ્રસંગે ગુહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતના જન જન સુધી વિકાસના મીઠા ફળો પહોંચ્યા છે. ગુજરાતથી લઈ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ડંકો વગાડયો છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આભારી છે. ગુજરાતના નાગરિકો અને ભાજપાના કાર્યકરો વચ્ચે વિશ્વાસનો અતુટ સંબધ રહ્યો છે. આવનારા સમયમાં અતુટ વિશ્વાસના સંગાથે ભારતને વિકાસની નવી ઉચાઈ પર લઈ જવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઉદ્બોધનમાં સુરત શહેરને સ્વચ્છતામાં બીજો ક્રમાંક મળવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પદાધિકારીઓ, સંગઠનના કાર્યકરો અને સફાઈકર્મીઓ, કમિશનરની ટીમના સંયુકત પ્રયાસોના કારણે આ શકય બન્યું છે. સૌના સાથ અને સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કામ કરી રહ્યો છે. ગુજરાતમાં આગામી 2022ની ચુંટણીમાં 182 સીટના લક્ષ્યાંક સાથે કાર્ય કરવાનો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. સૌને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવીને વિજયના લક્ષ્યાંકને સિધ્ધ કરવાની હિમાયત તેમણે કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે કાર્યમાં જેટલી ઝડપ તમે કરશો તેનાથી વધુ ઝડપથી તે કાર્યને સિધ્ધ કરવાના પ્રયાસો અમે કરીશું.
આ અવસરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરો ચુંટણી હોય કે ન હોય પરંતુ દરેક કાર્યમાં ઉત્સાહ સાથે કાર્ય કરે છે. વડાપ્રધાને 2002ના ગુજરાતમાં કરેલો અશ્વમેધ યજ્ઞનો અશ્વ સમગ્ર દેશમાં ફરી રહ્યો છે દેશના કોઈ પણ રાજ્યની તાકાત નથી કે તેને રોકી શકે.કારણ કે, આ અશ્વની રક્ષા કરવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેની સાથે છે. આ અશ્વ ગુજરાતમાં આવ્યો છે જેથી ૨૦૨૨માં ગુજરાતના કાર્યકરો તેમની રક્ષા કરવા માટે તત્પર છે. વડાપ્રધાને કરેલી ગુજરાતની સેવા અને સમર્થનના કારણે કાર્યકતાઓને જનસમર્થન મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના સથવારે ભાજતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને સેવા અને મદદરૂપ બની રહ્યા છે. સમગ્ર ગુજરાત સુરત પર મીટ માંડીને બેઠું છે. સુરતમાં સમગ્ર દેશના ગામ, શહેર અને જિલ્લાના લોકો રહે છે. આ તાકાત આખા રાજ્યની તાકાત હોવાનું જણાવીને આગામી સમયમાં પ્રચંડ બહુમતીના લક્ષ્યાંક સાથે વિજય થવાની અપીલ તેમણે કરી હતી.
આ પ્રસંગેકેન્દ્રીય રાજ્ય રેલવે અને કાપડમંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંગઠિત કાર્યકર્તા અને પદાધિકારીઓ, અધિકારીઓના સથવારે સમગ્ર ગુજરાત રાજય વિકાસની નવી ઊંચાઈએ પહોંચશે.
આ પ્રસંગે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં સુરત શહેરે બીજો ક્રમ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે જે બદલ મનપાના પદાધિકારીઓ, સ્વચ્છતાદૂત, સંગઠનના કાર્યકરોને અભિનંદન પાઠવીને આવતા વર્ષે પહેલો નંબર આવે તે માટે સંકલ્પબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચોતરફી વિકાસ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર કોરોનાના કપરા કાળમાં પ્રજાની સાથે ઉભો રહ્યો છે. સુરત એ લધુ ભારત તરીકે વિકસીત થયેલુ શહેર છે. સુરતનો વિજય એટલે ભારતનો મેન્ડેટ . અહી સૌરાષ્ટ્રના લોકોએ પોતાના પ્રચંડ પુરૂષાર્થથી સુરતને સિકલ બનાવવાનું કાર્ય કર્યું છે. સમુદ્ર વેપાર હોય કે હીરા, ટેક્ષટાઈલ હોય સુરતીઓએ દરેક જગ્યાએ પોતાનું ખમીર બતાવ્યું છે. જેથી ગુજરાતની આર્થિક રાજધાની સંભાવનાઓ સુરતમાં રહેલી હોવાનું તેમણે કહ્યું હતું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ પેજ પ્રમુખ તરીકેનું જે મોડેલ ઉભુ કર્યુ છે જેના થકી પ્રજા વચ્ચે રહીને કઇ રીતે સમાજ સેવાનું કાર્ય થઈ શકે તે મોડેલને સમગ્ર દેશમાં અનુકરણીય બન્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમીના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે સુરત મોટી ભુમિકા નિભાવશે. વડાપ્રધાનશ્રીએ આજે લીધેલા નિર્ણયની વિગતો આપતા કહ્યું હતું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજનાને હોળી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો આપી હતી. દુનિયાભરમાં કોરોના કાળમાં 80 કરોડ લોકોને ૧૯ મહિના સુધી પાંચ કિલો અનાજ વિતરણનું ઐતિહાસિક કામ કરીને ગરીબો પ્રત્યેની સંવેદના વ્યકત કરી છે.
તેમણે કહ્યું કે, આ સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડ ગેસ કનેકશન, 11 કરોડ શૌચાલયો, 18 હજાર ગામોના ત્રણ કરોડ ઘરોમાં વીજળી પહોચાડીને દેશના દરેક ઘરોને વીજળીથી રોશન કરવાનું કાર્ય કર્યુ છે. 11 કરોડ ખેડુતોને 1.50 લાખ કરોડ રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે,2.7 કરોડ લોકોને પ્રધાનમંત્રી આવાસના ઘરો આપવાના તથા 130 કરોડને વિનામૂલ્યે વેકસીન આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનના નેતૃત્વમાં સાકારિત થયું છે.આગામી 2022ની ચુંટણીમાં ગુજરાતમાં વિજયના લક્ષ્યાંક બહુમતીના બધા રેકોર્ડ તોડીને નવો લક્ષ્યાંક હાંસલ કરવાની હાકલ તેમણે કરી હતી.
આ પ્રસંગે નાણા, ઉર્જા મંત્રી અને સુરત જિલ્લા પ્રભારીમંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાનમંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદ મોરડીયા, મેયર હેમાલી બોધાવાલા, સાંસદ પ્રભુ વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, સુરત મહાનગરના મહામંત્રીઓ કિશોરભાઈ બિંદલ, કાળુભાઇ ભીમનાથ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત