ગાંધીનગર, 26 નવેમ્બર : ગાંધીનગર જીસીઇઆરટી કેમ્પસ ખાતે “ બાલવાર્તા વર્ષ ઉજવણી સમિતિ ” ની બેઠક યોજવામાં આવી. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ બેઠકમાં ગિજુભાઇ બધેકા દ્વારા બાલવાર્તા, બાલસાહિત્ય ઉપરાંત બાલ પદ્ધતિ શાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર ક્ષેત્રે કરવામાં આવેલ કાર્યો અને પ્રદાનના વ્યાપક પ્રચાર-પ્રસાર માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યના બાળકો, તેમના વાલીઓ, શિક્ષકો સુધી બાળકોને ઉપયોગી રસપ્રદ વાર્તાઓનું સર્જન, સંગ્રહ, તેનો પ્રસાર અને તેના ઉપયોગ માટેની વ્યૂહરચના તૈયાર કરવા માટે સમિતિને જણાવ્યું હતું. તદુપરાંત આ તમામ બાબતોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની ભલામણોને સાથે સંકલન કરી અભ્યાસક્રમ સાથે જોડવા માટે સૂચન કર્યુ હતુ. આ વર્ષની ઉજવણી દરમિયાન બાળકોને તેમની ભાષામાં વૈવિધ્યસભર વાર્તાઓનો વારસો મળે અને તેમની પ્રારંભિક ભાષા કૌશલ્યોના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
સ્વ. ગિજુભાઇ બધેકાની 138મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિમાં તેમના જન્મ દિવસ 15મી નવેમ્બરને “બાલવાર્તા દિન” તરીકે ઉજવવા તથા આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી હતી. ગુજરાતમાં આશરે 90વર્ષ પહેલાં ગિજુભાઇ બધેકા દ્વારા પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકો માટે બાળ સાહિત્યનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યુ હતું. બાળકોમાં ભાષા કે વિચારો અસરકારક રીતે રજૂ કરવા માટેનું માધ્યમ વાર્તા છે એવુ તેમના પ્રયોગોથી સ્પષ્ટ થઇ ચૂક્યુ છે. ગિજુભાઇ બધેકા બાળ-કેળવણીકાર અને ગુજરાતી બાળસાહિત્યના સર્વપ્રથમ સમર્થ પુરસ્કર્તા છે. તેમણે વિપુલ માત્રામાં બાળસાહિત્ય આપ્યું છે તેથી જ કાકાસાહેબ કાલેલકરે તેમને ‘બાળસાહિત્યના બ્રહ્મા’ કહ્યા છે.આ બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને સાહિત્યકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જાણીતા હાસ્ય કલાકાર-શિક્ષણવિદ્દ સાંઈરામ દવે, લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરૂણ દવે, જીસીઇઆરટીના નિયામક ડૉ. ટી. એસ. જોષી, પૂર્વ નિયામક ડૉ. નલીન પંડિત, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ મનીષ મહેતા, ડૉ. તેજસ દોશી, આર્ષ વિદ્યામંદિર ભાવનગરના અધ્યક્ષ મેહુલ પટેલ, ડૉ. વૈશાલી શાહ, એન. સી. સ્વામી, રૂપેશ ભાટીયા, અમિત દવે સહિતના વિષય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત