સુરત : ગૃહરાજ્યમંત્રીએ જહાંગીરપુરાના SMC ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનોની લીધી મુલાકાત

સ્થાનિક
Spread the love

સુરત,26 નવેમ્બર : લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વહેલી સવારે સુરતના જહાંગીરપુરાના SMC ગ્રાઉન્ડ ખાતે હિંદુ તળપદા કોળી સમાજના સહયોગથી ગત દોઢ મહિનાથી લોકરક્ષક દળ અને PSIની ભરતીની તૈયારી કરતા 450 યુવાનોની મુલાકાત લઇ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તેમણે ઉમેદવારો સાથે સંવાદ સાધી પ્રોત્સાહિત પણ કર્યા હતાં.

         આ વેળાએ વિદ્યાર્થીઓને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખ્ત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસમાં સામેલ થઇ શકશે નહિ એમ જણાવી તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતો 30 મિનિટનો એક શો એમ કુલ 4 શો ટેલિકાસ્ટ કરશે. ભવિષ્યમાં સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને પોલીસ ભરતીની તાલીમ આપવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. આ પરીક્ષા મહત્વપૂર્ણ છે, પણ એ આપણા જીવનની અંતિમ પરીક્ષા નથી., જેથી જે પણ પરિણામ આવે એ સ્વીકારીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

         અગ્રણી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હિંદુ તળપદા કોળી સમાજ દ્વારા સરકારી તંત્ર અને SMC ના સહયોગથી 250 યુવાનો અને 200 યુવતીઓ મળી કુલ 450 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ફિઝીકલ ટ્રેનિંગ રિટાયર્ડ પોલીસ અધિકારીઓ અને થિયરીકલ પરીક્ષાની તૈયારી જીપીએસસી, યુપીએસસી પાસ થયેલા ઉમેદવારો કરાવી રહ્યા છે. ભરૂચથી માંડીને નવસારી એમ કુલ 4 જિલ્લાના યુવાનો અને માત્ર હિંદુ કોળી સમાજના જ નહીં, પંરતુ અન્ય સમાજના યુવાનો પણ આ સુવિધાનો લાભ લઇ રહ્યા છે.’આ પ્રસંગે કોર્પોરેટર અજીતપટેલ, રાજન પટેલ,નેન્સી શાહ, ગૌરી સાપરીયા, સમાજના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *