સુરત, 25 નવેમ્બર : સુરત શહેરની આર્થિક પ્રગતિ જેમ જેમ વધી રહી છે તેમ તેમ આ શહેરમાં ગુનેગારો પણ દિવસે ને દિવસે માથું ઊંચકી રહ્યા છે.શહેરમાં નાના માણસો પાસેથી દાદાગીરી કરીને પૈસા ઉઘરાવવાના બનાવો પણ વધી રહ્યા છે.શહેરના નવાગામ ચિતા ચોકમાં ગત બુધવારે રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા એક વૃદ્ધ વેપારી પર 4 હુમલાખોરોએ હપ્તો ન મળતા ચપ્પુ વડે ઘા મારી તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી.હુમલાખોરોએ વૃદ્ધ વેપારીને 10 સેકન્ડમાં ચપ્પુના 4 ઘા માર્યા હતા.આ ઘટનામાં 4 હુમલાખોરો પૈકી 1 ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.આ હુમલાખોરો કુખ્યાત રાજેશ ગેંગનો સાગરીત હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ નવાગામમાં છેલ્લા 35-40 વર્ષથી ભરતભાઇ તુકારામ પાટીલ ભરત મંડપ ડેકોરેશનના નામથી વ્યવસાય કરે છે. ત્રણ દીકરા વહુ અને પત્ની સાથે રહેતા આ ભરતભાઈ સ્વભાવે ખુબ જ પ્રેમાળ હોઈને સ્થાનિકોમાં પણ તેમના પ્રત્યે ઘણી લાગણી છે.ગત દિવસોમાં કુખ્યાત રાજેશ ગેંગના આ 4 હુમલાખોરોએ હપ્તો ન મળવાના કારણે ભરતભાઇ પર હુમલો કર્યો હતો. ગત બુધવારની રાત્રે લગભગ 8 વાગ્યે આ હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો.તેઓ ઘણા સમયથી હપ્તા વસૂલીને લઈને તેમને ધાક ધમકી આપી રહ્યા હતા.પોલીસે સીસીટીવીની મદદથી 6 દિવસ બાદ 1 હુમલાખોરને ઝડપી પાડ્યો છે. જોકે, આ ઝડપાયેલો આરોપી સગીર હોવાની જાણકારી મળી છે.આ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત રાજેશ યાદવના નામે સુરતમાં 25 જેટલા ગુના નોંધાયા છે આ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કડક સજા આપવામાં આવે તેવી સ્થાનિકોમાં લાગણી પ્રવર્તી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત