સુરત, 25 નવેમ્બર : સમગ્ર દેશમાં કોરોના નિયત્રંણમાં આવી રહ્યો છે.ગુજરાતમાં પણ હાલ સ્થિતિ અંકુશમાં છે.રાજ્યમાં એક સમયે અમદાવાદ હવે સુરતમાં આ મહામારીએ હાહાકાર મચાવ્યો હતો.જયારે, હવે સ્થિતિ નિયંત્રણમાં હોઈને લોકોએ હાશકારો અનુભવ્યો છે. જોકે, તંત્ર દ્વારા લોકોને હજુ પણ પૂરતી તકેદારી રાખવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે, સુરતમાં નાગરિકો દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયામાં બીજા ડોઝમાં ભારે ઉદાસીનતા જોવામળી રહી છે.શહેરમાં છ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોઈને લોકોને આકર્ષવા માટે મનપા દ્વારા અનોખી સ્કીમ મુકવામાં આવી રહી છે.જે મુજબ સુરત શહેરમાં જેમણે બીજો ડોઝ લીધો નથી તેમને આવતીકાલથી વેક્સિનનો બીજો ડોઝ લેશે તો તેમને એક લિટર જેટલું તેલ વિનામૂલ્યે આપવામાં આવશે.આ સ્કીમનો લાભ વહેલા તે પહેલાના ધોરણે રહેશે.શહેરમાં એક ડોઝ લીધા બાદ જે 6 લાખ લોકોએ બીજા ડોઝ લેવામાં ગંભીરતા લીધી નથી તેઓને હવે આ સ્કીમ દ્વારા રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટેની તંત્રએ કવાયત શરૂ કરી છે.
સુરત મનપાના સઘન પ્રયાસના કારણે વેક્સિનેશનના પ્રથમ ડોઝ આપવા માટેની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં તંત્રને સફળતા મળી હતી.જોકે બીજા ડોઝ લેવામાં લોકોએ ઉદાસીનતા દેખાડી હતી.વિવિધ પ્રકારના પ્રયાસો કરવા છતાં સફળતા ન મળતા હવે 1 લીટર તેલ ફ્રી ની આકર્ષક સ્કીમ મુકવામાં આવી રહી છે.શહેરમાં ખાસ કરીને લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી છે.જેથી, આ વિસ્તારમાં તંત્ર દ્વારા લોકો વધુને વધુ રસીકરણ કરાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.બીજો ડોઝ લેનારાઓને એનજીઓ થકી તેલ આપવામાં આવશે.એનજીઓ દ્વારા જે રીતે તેલનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવશે તે રીતે લોકોને તેલ આપવામાં આવશે.આમ, રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં બીજા ડોઝ માટે હવે તંત્ર દ્વારા આ એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે, એ જોવું રહ્યું કે આ પ્રયાસ કેટલો કારગર સાબિત થાય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત