સુરત : રાજ્યકક્ષાની નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૃહરાજ્યમંત્રીએ ક્રિકેટ રમીને નર્સિંગ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો

સ્થાનિક
Spread the love

સુરત, 25 નવેમ્બર : સફેદ વસ્ત્રોમાં દેવદૂત સમાન નર્સીસ બહેનોએ કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્યરક્ષા કરી છે, ત્યારે તેમનો જુસ્સો બુલંદ બનાવવા માટે ગુજરાત રાજ્યકક્ષાની ત્રીજી ગુજરાત નર્સીસ ક્રિકેટ પ્રિમીયમ લીગ(સારસંભાળ ક્રિકેટ ટુર્નામેન્ટ) સુરતના આંગણે યોજાઈ છે. ‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાન મહાદાન’ના અભિયાન સાથે નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ નર્સિંગ સ્ટાફ સાથે ક્રિકેટ રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સુરતના આંગણે રાજ્યભરની 500થી વધુ નર્સિંગ સ્ટાફની 35 જેટલી ટીમો પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

        આ પ્રસંગે ગૃહમંત્રીએ 'નો ડ્રગ્સ' અને 'અંગદાન મહાદાન'ના અભિયાનને બિરદાવતા કહ્યું હતું કે, 'ICU હોય કે હોસ્પિટલોના વોર્ડ હોય, દરેક ક્ષેત્રે નર્સિંગ સ્ટાફે કોરોનાકાળમાં જાનના જોખમે ફરજ નિભાવી છે. નર્સિસ એ સમાજના આરોગ્ય સાથે જોડાયેલી મહત્વની કડી છે. ‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાનના મહાઅભિયાન'ને સફળ બનાવીને યુવાનો ડ્રગ્સના દુષણથી દૂર રહે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે સૌને કટિબધ્ધ થવાનો અનુરોધ તેમણે કર્યો હતો.આ અવસરે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, એક અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિનું અમૂલ્ય જીવન બચાવી શકે છે. અંગદાન ઈશ્વરીય કાર્ય છે, ત્યારે સમાજમાં જાગૃતિ લાવીને બ્રેઈનડેડ વ્યક્તિઓનું વધુમાં વધુ અંગદાન થાય એ માટે નર્સિંગ સ્ટાફને પણ કાર્યરત થવાની હાંકલ કરી હતી.
             આ અવસરે રોયલ ચેલેન્જરના ક્રિકેટર બાબા સિદ્દીકી પઠાણે ઉપસ્થિત રહીને નર્સિંગ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપ ખરસીયા, કિરણ દોમડીયા, નિલેશ લાઠીયા ઉપસ્થિત રહ્યા હતા.24મીએ શુભારંભ થયેલી ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય સંગીતા પાટીલે કરાવ્યો હતો. આ અવસરે તેમની સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, પૂર્વ આઈ.એમ.એના પ્રમુખ ડો.પારૂલ વડગામા,વીર નર્મદ દ.ગજરાત યુનિ.ના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા, ડો.મુકુલ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *