સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ લીગલ કોન્ફરન્સ ’ યોજાઈ

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 27 નવેમ્બર : વેપારીઓમાં ધંધાકીય સુરક્ષા વધારવા તથા ઉત્સાહજનક વાતાવરણ ફેલાવવા માટે તેમજ વકીલોમાં પણ કાયદાકીય જ્ઞાન વધારવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સુરત સિટી એડવોકેટ્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે શનિવારના રોજ સવારે 9થી બપોરે 2 કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં ‘લીગલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ મેહુલ શાહ દ્વારા કોમર્શિયલ કોર્ટ એકટ અને સીપીસી વિશે તથા ડો. વિનેશ શાહ દ્વારા મેડીકો લીગલ કેસિસ વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ મેહુલ શાહે જણાવ્યું હતું કે, કોમર્શિયલ કોર્ટ એકટ તા. 3/5/2018 થી અમલમાં આવ્યો છે. કોમર્શિયલ તકરારો કોણે ગણવી? અને કાયદામાં એનું ડેફીનેશન કયું આપવું? વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ કોર્ટ એકટને અમલમાં લાવવામાં આવ્યો છે. જેમાં આર્થિક તકરારો, કરારો તથા કન્ટસ્ટ્રકશન, એજન્સી, પાર્ટનરશિપ, સેલ ઓફ ગુડ અને ઇન્ટેલેકચ્યુઅલ કોન્ટ્રાકટ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટાભાગની તકરારો ઇન્મુવેબલ પ્રોપર્ટી બાબતની હોય છે. ઇન્મુવેબલ પ્રોપર્ટીનો ઉપયોગ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે થતો હોય તો તેનો કોમર્શિયલ કોર્ટ એકટમાં સમાવેશ કરવામાં આવે કે કેમ? વિગેરે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. ગુજરાત હાઇકોર્ટ ડિવીઝન બેન્ચ દ્વારા આ અંગે બે જજમેન્ટ આપવામાં આવ્યા હતા અને સુપ્રિમ કોર્ટ દ્વારા આ જજમેન્ટને એપ્રુવ કરવામાં આવ્યા હતા.ભવિષ્યમાં થનાર ઉપયોગ માટે નહીં પણ જે દિવસે દાવો દાખલ થયો હોય તે સમયે પ્રોપર્ટીનો ઉપયોગ થઇ રહયો છે તેના માટેના કરારને માન્ય રાખવામાં આવ્યો હતો. દાવાનો જવાબ રજૂ કરવાની સમય મર્યાદા 120 દિવસની નકકી કરવામાં આવી છે. ત્યારબાદ કઇ કોર્ટોને કોમર્શિયલ કોર્ટ તરીકે એસ્ટાબ્લીશ કરવી તે વિશે પણ નકકી કરવામાં આવ્યું હતું. રૂપિયા 50 લાખથી વધુની નાણાંકીય હકુમત પ્રસ્થાપિત કરાઇ હોય તો એવા કેસ માટે કોમર્શિયલ એપેલેટ કોર્ટમાં કેસ કરવાનું નકકી થયું હતું. તેમણે વેપારીઓ તથા વકીલોને કોમર્શિયલ કોર્ટ એકટ સંબંધિત સમરી જજમેન્ટ અંગેની પ્રોસિજર વિશે વિસ્તૃત માહિતી આપી આર્બીટ્રેશન એકટ વિશેની કાર્યવાહીની પણ સમજણ આપી હતી.
ડો. વિનેશ શાહે ઇવેલ્યુશન ઓફ મેડીકલ એવીડન્સ ઇન લો પ્રેકટીસ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ક્રિમીનલ કેસમાં 95 ટકા મેડીકલ સાયન્સની જરૂર પડે છે. તેમણે ફોરેન્સીક મેડીસીન અને ફોરેન્સીક સાયન્સ વચ્ચેનો તફાવત વિશે સમજણ આપી હતી. તેમણે સીકનેસ/ફીટનેસ સર્ટિફિકેટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેડીકો લીગલ સર્ટિફિકેટ, ઇન્જરી સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ અને ઇન્ડોર કેસ પેપર્સની કોર્ટ કાર્યવાહીમાં જુદી–જુદી જરૂરિયાતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને ધી સુરત સિટી એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ કિર્તી બનાટવાલાએ સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. સુરતના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ વી.કે. વ્યાસે આશિર્વચન આપ્યા હતા. એડવોકેટ નિલકંઠ બારોટે કોન્ફરન્સનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક વિધી કરી હતી. આ કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને એડવોકેટ ધીરુ ચલિયાવાલા પણ ઉપસ્થિત રહયા હતા. અંતમાં ધી સુરત સિટી એડવોકેટ્સ એસોસીએશનના સેક્રેટરી મનોજ ટી. પટેલે સર્વેનો આભાર માની કોન્ફરન્સનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *