સુરત, 27 નવેમ્બર(હિ. સ.) : ડાયમંડનગરી સુરત શહેરના ખજોદ ખાતે અતિ આધુનિક અને વૈશ્વિક સ્તરનું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે.ખજોદ સ્થિત આ ડાયમંડ બુર્સમાં શનિવારે બિલ્ડિંગની બહાર છઠ્ઠા માળે 3 મજૂરો પ્લાયવુડના ફિનિશિંગનું કામ કરી રહ્યા હતા. જે દોરડાના ઝૂલામાં બેસીને આ મજૂરો કામ કરી રહ્યા હતા તે અચાનક જ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી અને છઠ્ઠા માળેથી આ 3 મજૂરો સીધા જ નીચે પટકાયા હતા.જેમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.જ્યાં 1 મજૂરનું કરુણ મોત થયું હતું અને 2 મજૂરો ગંભીર હાલતે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ આ ઘટના શનિવારે બપોરે ઘટી હતી. મૃતક મજુર જીવલાલ એક મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવ્યો હતો.આ મજુરો PSP કંપનીના કોન્ટ્રાકટ હેઠળ કામ કરી રહ્યા હતા. શનિવારે જીવલાલ, સતેન્દ્ર અને ઉપેન્દ્ર ચૌધરી એમ 3 મજૂરો દોરડાના બનાવેલા ઝુલામાં બેસી છઠ્ઠા માળે કામ કરી રહ્યા હતા.જે દરમિયાન હવામાં લટકી રહેલો આ ઝૂલો અચાનક તૂટી પડતા ત્રણેય મજૂરો ધડામ અવાજ સાથે નીચે પટકાયા હતા.ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા અન્ય મજૂરો દોડી ગયા હતા.આટલી ઊંચાઈથી પડેલા આ મજૂરોના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી જતા ઘટના સ્થળે લોહીનું મોટું ખાબોચિયું ભરાઈ ગયું હતું.ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં જીવલાલનું ટૂંકી સારવારના અંતે મોત થયું હતું.મૃતકના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો હવે નોધારા બન્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત