સુરત, 27 નવેમ્બર : દેશમાં આજે 12મા ભારતીય અંગદાન દિવસની ઉજવણી થઇ રહી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ આવે, લોકો અંગદાનની પ્રતિજ્ઞા લે અને જે પરીવારજનોએ પોતાના વ્હાલસોયા સ્વજનોના અંગોનું દાન કરી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપ્યું છે તેવા પરિવારો અને દેશના અંગદાતાઓને નતમસ્તક વંદન, પ્રણામ અને સલામ કરવાનો છે. આવા અંગદાતા પરિવારોને કારણે દેશમાં સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળ્યું છે.
ગત 29મી ઓક્ટોમ્બરના રોજ સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયા નામના બાળકના બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જેને કારણે છ વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું. દેશમાં અત્યાર સુધી 19 હાથના દાન થયા છે તેમાંથી સૌથી નાની ઉમરના બાળક 14 વર્ષના ધાર્મિકના હાથનું દાન કરવાની દેશની આ સૌપ્રથમ ઘટના હતી. કાકડિયા પરિવારના આ ઉમદા કાર્ય બદલ 12મા ભારતીય અંગદાન દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્વ.ધાર્મિકના માતા-પિતા અજયભાઈ અને લલીતાબેનને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના વરદ હસ્તે દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા. સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આજના ભારતીય અંગદાન દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દેશના તમામ અંગદાતા અને તેમના પરિવારજનોને નતમસ્તક વંદન, પ્રણામ અને સલામ કરે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત