સુરત : વીએનએસજીયુમાં ઓનલાઈન પરીક્ષાના મુદ્દે એબીવીપીએ કુલપતિનો કર્યો ઘેરાવ

સ્થાનિક
Spread the love

સુરત, 27 નવેમ્બર : કોરોનાની મહામારીના કારણે સમગ્ર દેશમાં માર્ચ-2020થી ઓનલાઇન શિક્ષણનો નવો વિકલ્પ શરૂ થયો.હવે જયારે, કોરોનાની સ્થિતિ અંકુશમાં આવી છે.ત્યારે, શાળા-કોલેજો ધીરે ધીરે ખુલી રહી છે અને ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે.જોકે, સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા હવે ડિપાર્ટમેન્ટ પર આવી આપવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.જોકે, આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓ જયારે કોલેજમાં આવીને ઓનલાઇન પરીક્ષા આપવા આવ્યા ત્યારે ડિપાર્ટમેન્ટ પર નેટવર્ક સહિત અન્ય સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શક્યા ન હતા.જે મુદ્દે એબીવીપીએ શનિવારે યુનિવર્સીટીમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ઘરેથી જ આપી શકે તેવું આયોજન કરવાની માંગ કરી હતી.શનિવારે વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધના કારણે કુલપતિએ સ્થિતિને થાળે પાડવા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.પોલીસે ભારે સમજવાટ બાદ સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
શનિવારે વિદ્યાર્થીઓએ આ મુદ્દે કુલપતિને ઘેરી લીધા હતા.કુલપતિ ઓનલાઇન મોક ટેસ્ટ લેવામાં નિષ્ફ્ળ રહ્યા છે તેવા આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ કુલપતિ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.એબીવીપીના અગ્રણીઓએ ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે કોલેજની અંદર જે ઓનલાઇન પરીક્ષા લેવાય છે તેમાં નેટવર્કના પ્રોબ્લેમનાં કારણે યોગ્ય રીતે લેવાતી નથી.જો આ રીતે ક્લાસમાં બેસીને જ પરીક્ષા દેવાની હોય તો પછી ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવી જોઈએ.આ પ્રકારની ઓનલાઇન પરીક્ષાનો કોઈ મતલબ નથી.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોલેજમાં ઓનલાઇન મોક ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી હતી.ઘણા વિદ્યાર્થીઓ નેટવર્કના પ્રોબ્લેમનાં કારણે મોક ટેસ્ટ આપી શક્યા ન હતા. ત્યારે,શહેરની વિવિધ કોલેજોમાં આગામી 29મી નવેમ્બરથી ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થઇ રહી છે અને તે માટે કોલેજોમાં જઈને પરીક્ષા આપવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં જો નેટવર્કનો પ્રોબ્લેમ ફરીથી થશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા કેવી રીતે આપશે ? તે પણ એક મોટો પ્રશ્ન છે.આ અંગે હવે યુનિવર્સીટીના સત્તાધીશો શું કરે છે ? તે જોવું રહ્યું. આ પ્રશ્ને એબીવીપીની માંગને વિદ્યાર્થીઓનું સમર્થન મળી રહ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *