સુરત, 28 નવેમ્બર : સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીએ હજુ પણ તેનો પ્રકોપ ચાલુ રાખ્યો છે.તાજેતરમાં સાઉથ આફ્રિકા, બોત્સવાના સહિતના દેશોમાં આ રોગનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જોવા મળ્યો છે અને તેના પર વેક્સિનની અસર પણ ન થતી હોવાના રિપોર્ટ આવી રહ્યા છે.ત્યારે સાઉથ આફ્રિકા, બોત્સવાના જેવા દેશોમાં હાહાકાર મચાવનારા આ વેરિયન્ટની પરોક્ષ અસર સુરતના ડાયમંડ માર્કેટ પર પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.સાઉથ આફ્રિકા,બોત્સવાના સહિતના વિવિધ દેશોમાં આ નવા વેરિયન્ટને લઈને લોકોમાં હાલ ભય ફેલાયો છે.આ દેશોમાંથી સુરતના હીરા ઉદ્યોગ માટે અતિ મહત્વપૂર્ણ એવી હીરાની રફ આવતી હોય છે.ત્યારે, આગામી દિવસોમાં આ રફની સપ્લાય પર પણ અસર થઇ શકે તેવી સંભાવના છે.
કોરોનાની મહામારીના પ્રથમ અને દ્વિતીય તબક્કામાં સ્થિતિ ભારે વણસી હતી અને તેના કારણે હીરાઉદ્યોગ પર માઠી અસર પહોંચી હતી. ભારતમાં હાલ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને તેના કારણે હીરા ઉદ્યોગ સહિત વિવિધ વ્યવસાયે ગતિ પકડી છે.તેવા સમયે જો આ ઓમિક્રોન વેરિયન્ટ વધુ સ્થિતિ બગાડે તો તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી શકે તેમ છે.હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયકારો હવે આ નવા વેરિયન્ટના સમાચારોને લઈને વિદેશ જવાનું રદ કરવા લાગ્યા છે.15મી ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બાબતે પણ ફરીથી સમીક્ષા થવાની છે.ત્યારે, સાઉથ આફ્રિકાના વિવિધ દેશોમાંથી મોટા પ્રમાણમાં સુરત આવતી રફ પર પણ અસર થઇ શકે છે તેવું આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું માનવું છે.સુરત હીરા ઉદ્યોગમાં દિવાળી પૂર્વે જોવા મળેલી તેજીના કારણે રત્ન કલાકારોએ પણ હાશકારો અનુભવ્યો છે ત્યારે, ઓમિક્રોન વેરિયન્ટ હીરા ઉદ્યોગને માઠી અસર ન કરે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત