સુરત, 29 નવેમ્બર : કોરોનાની મહામારીના કારણે વિશ્વના વિવિધ દેશોના વડાઓ એકબીજાના દેશમાં પ્રવાસે જઈ શક્ય ન હતા.જોકે, હવે આ મહામારી નિયંત્રણમાં હોઈને વિવિધ દેશના વડાઓ વચ્ચે મુલાકાતનો દોર શરૂ થઇ ગયો છે.ત્યારે, મીડિયાના એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી નવા વર્ષે એટલે કે વર્ષ 2022ના પ્રારંભે સંયુક્ત આરબ અમીરાત ( યુએઈ )ના પ્રવાસે જઈ શકે છે.વર્ષ 2022માં પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે.તેઓ યૂએઇના દુબઇ એક્સ્પોની પણ મુલાકાત લઇ શકે છે.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે દુબઇ એક્સ્પોમાં ચાર માલનું ઇન્ડિયન પેવેલિયન બનવવામાં આવ્યું છે અને આ પેવેલિયનમાં વ્યાવસાયિક ગતિવિધિઓની સાથે સાથે ભારતની સાંસ્કૃતિક વિવિધતાને પણ સુંદર રીતે દર્શાવવામા આવી છે.પીએમ મોદી તેમની આ વિદેશ યાત્રા દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના ટોપ લીડરો સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે.ત્યારે,આગામી વર્ષે પીએમ મોદીની યૂએઇની મુલાકાત ઘણી જ મહત્વની બની રહેશે તેવું રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે.
આ મહિનાની શરૂઆતમાં વિદેશમંત્રી જયશંકર પણ યૂએઇના પ્રવાસે ગયા હતા. વિદેશમંત્રીએ દુબઈ એક્સપોની મુલાકાત બાદમાં યૂએઇના તમામ મોટા નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આગામી સમયમાં યુએઈ કાશ્મીરમાં પણ મહત્વનો પ્રોજેકટ શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે, વિદેશમંત્રી અને ત્યાર બાદ પીએમ મોદીની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતને ઘણી જ સૂચક માનવામાં આવે છે.
દુબઇ એક્સ્પોમાં આ વખતે ઇન્ડિયન પેવેલિયનને અતિ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.એક અંદાજ મુજબ દુબઈ એક્સપોના આ ઇન્ડિયન પેવેલિયનની અત્યાર સુધીમાં લગભગ 4 લાખ કરતા વધુ લોકોએ મુલાકાત કરી છે.આ ઇન્ડિયન પેવેલિયનમાં ટ્રાવેલ એન્ડ કનેક્ટિવિટી, હેલ્થ, ફૂડ, એગ્રિકલ્ચર અને વોટર, કલાઇમેટ એન્ડ બાયોડાઇવર્સિટી, સ્પેસ, અર્બન રૂરલ ડેવલપમેન્ટ, ગોલ્ડન જુબિલી, નોલેજ એન્ડ લર્નિંગ જેવા 11 વિષયોના ઝોન બનવવામાં આવ્યા છે.
પીએમ મોદી તેમના આ બે કાર્યકાળ દરમિયાન ત્રણ વખત યુએઈના પ્રવાસે ગયા છે.સંયુક્ત આરબ અમીરાતની સરકારે આ અગાઉ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ જાએદ’થી સન્માનિત કર્યા છે.યુએઈની કુલ વસ્તીના 30 ટકા એટલે કે 33 લાખ ભારતીયો ત્યાં વસે છે જે અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. યુએઈના વિકાસમાં પણ ભારતીયોનો નોંધપાત્ર ફાળો છે. કોરોના કાળ બાદ આયોજિત દુબઈ એક્સપોને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત