સુરત, 29 નવેમ્બર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા સુરત જિલ્લા માટે મધ્યમ ગાળાની હવામાનની આગાહી આપવામાં આવે છે. ભારત સરકારના મોસમ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સુરત જિલ્લામાં આગામી દિવસોમાં, 30 નવે.થી 3 ડિસેમ્બર દરમિયાન વરસાદ થવાંની સંભાવના છે.1 થી 2 ડિસે.માં છુટી–છવાઈ જગ્યા પર મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. તે ઉપરાંત, પવનોની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે અને 30 નવે.થી 2 ડિસે. દરમિયાન પવનની ઝડપમાં મહત્વપુર્ણ વધારાની શકયતા છે. આગામી દિવસોમાં આવનાર સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂતમિત્રોને શાકભાજી પાકોની રોપણી મુલતવી રાખવા અથવા તો નીકપાળા પર શાકભાજીની રોપણી કરવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત વરસાદ પછી જો શાકભાજી પાકો પાક પાણીમાં ડૂબ્યા હોય તો ખેડૂતોને ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનસ 1 લિટર/1 એકર આપવાની ભલામણ કરવામાં આવે છે. હાલમાં રોપણી કરેલા પાકોમાં વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી વરસાદ બાદ પિયત આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા જણાવવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત