સુરત : સિવિલ ડિફેન્સ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ જનજાગૃત્તિ મહારેલી યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 29 નવેમ્બર : ‘ આઝાદી કા અમૃત મહોત્સવ ‘ દેશની ચોથી રક્ષાપાંખ સિવિલ ડિફેન્સ, સુરત દ્વારા યુનિવર્સલ ફાઉન્ડેશન, આશિયાના ફાઉન્ડેશન તથા બોરડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ‘બેટી પઢાઓ, બેટી બચાવો’, સ્વચ્છ ભારત મિશન અને સાક્ષરતા અભિયાન જેવા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રૂટમાર્ચ-મહારેલી યોજાઈ હતી. જેમાં ચીફ વોર્ડન કાનજી ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન્સમાં મહંમદ નવેદ શેખ અને મેહુલ સોરઠીયાની ઉપસ્થિતિમાં સિવિલ ડિફેન્સ, સુરતના સરથાણા, પુણા, કાપોદ્રા, વરાછા, અને અમરોલી ડિવિઝનના સ્ટાફે ભાગ લીધો હતો. 3 કિ.મી ની આ યાત્રા સુરત-કામરેજ મેઇન રોડ, સિમાડા નાકાથી નાના વરાછા અને સરથાણા સ્થિત શહીદ સ્મારક સમક્ષ યાત્રા પૂર્ણ થઈ હતી. રેલીમાં જોડાયેલા સૌએ સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતાં.
આ રેલીમાં અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશવેકરીયા, વરાછાથી ધનજી નસીત, પુણાથી કલ્પેશ બોરડ, કાપોદ્રાથી જાલમ મકવાણાની ટીમ, સરથાણા ઝોનથી ઘનશ્યામ નસીત અને તમામ ડિવિઝનના ડેપ્યુટી ડીવિઝનલ્સ અને વોર્ડનો અને તમામ માનદ્ સૈનિકો જોડાયા હતાં. સિવિલ ડિફેન્સ જવાનોએ સ્વચ્છતાનો સંદેશ આપતાં માર્ગ પરથી કચરો એકઠો કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો.સરથાણા અને કાપોદ્રા પોલીસ તથા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનમાં ઉમદા સહયોગ આપ્યો હતો. સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડ પ્રોટોકોલ સાથે આયોજિત આ રેલીમાં સંતાનમાં માત્ર દીકરી જ હોય તેવા દંપતિઓને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *