ગાંધીનગર,1 ડિસેમ્બર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિષે રાજ્યના પ્રવકતા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું છે રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા અને જનસુખાકારીના કામોનું સત્વરે આયોજન કરવા માટે મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરાશે. શિક્ષણ કાર્યને વેગવાન બનાવવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂપિયા 27,000/-ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને આ શિક્ષકો દરરોજ 7 તાસ લેશે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સર્વસ્પર્શી – સર્વસમાવેશક બજેટ તૈયાર થાય તેવું નક્કર આયોજન કર્યું છે. 9મી ડિસેમ્બર બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ સંદર્ભે ચર્ચા-વિચારણા કરી બેઠક યોજશે. રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી કેટલીક નવી વિકાસલક્ષી યોજનાઓ તૈયાર કરવા વિવિધ વિભાગો નાણામંત્રી સાથે બેઠક કરી બજેટને આખરી ઓપ અપાશે. રાજ્યનું નવનિયુકત મંત્રીમંડળ પુરજોશથી જનહિતના કર્યો કરી રહ્યું છે. ત્યારે આ કાર્યોને વધુ ઝડપી બનાવવા મુખ્ય મંત્રીએ મંત્રી મંડળને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.વાસ્તવમાં નિકાલ થઇ ચૂકી હોય તેવી વિવિધ વિભાગોની કેટલીક ફાઈલો ઓનલાઇન પેન્ડિગ બતાવતી હોય છે જેનો ઓનલાઇન સત્વરે નિકાલ કરવા મુખ્યમંત્રીએ મંત્રીમંડળને જરૂરી સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંદર્ભમાં ગુરૂવાર 2 ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શૉ યોજશે. તેઓ ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ,અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક પણ યોજવાના છે.ત્યારબાદ સવારે 11 કલાકે યોજાનારા રોડ-શૉ માં વાયબ્રન્ટ સમિટ-2022ની વિશેષતાઓ પ્રસ્તુત કરશે.મુખ્યમંત્રી સાથે નાણાં મંત્રી કનુ દેસાઇ, ઊદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વાયબ્રન્ટ સમીટ -2022 સંદર્ભે 8 અને ડિસેમ્બરે દુબઇનો પ્રવાસ ખેડશે.આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના પેવેલિયન, એપેક્સ શૉ – 2021 તથા અબુધાબી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે.ઓમિક્રોન વાયરસ સંદર્ભે પણ રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી દીધી છે. એરપોર્ટ પર બહારના દેશોમાંથી આવતા નાગરિકોના સ્ક્રિનિંગ સહિત ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ટેસ્ટિંગમાં નેગેટિવ હોય અને જરૂરીયાત જણાય તો આવા નાગરિકોને 7 દિવસ આઈસોલેશનમાં પણ રાખવામાં આવશે.સદભાગ્યે ઓમિક્રોન વાયરસનો દેશમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી અને આગામી સમયમાં પણ ન નોંધાય એ માટે પ્રભુને પ્રાર્થના. આ સંદર્ભે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે SOP નિયત કરાઈ છે એ અંગે પણ ગુજરાતમાં સંપૂર્ણ પાલન સાથે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ વાયરસ અંગે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી માત્ર ને માત્ર તકેદારી સાથે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ નું પણ મોનિટરિંગ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત