સુરત, 1 ડિસેમ્બર : છેલ્લા 14 વર્ષથી કોઈ પણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના પિતાની છત્રછાયા ગુમાવનાર વ્હાલી દીકરીઓનું કન્યાદાન કરનારા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીના માર્ગદર્શન તળે આ વર્ષે આગામી 4 અને 5 ડિસેમ્બરના રોજ ભવ્ય લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. ” ચૂંદડી મહિયરની ” શીર્ષક હેઠળ આયોજિત આ લગ્ન સમારોહમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ ચારેય ધર્મની મળીને કુલ 300 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 4446 દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના આ પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધીમાં લગભગ 3000 જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યું છે.આગામી 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટા વરાછા-અબ્રામા રોડ સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ કેમ્પસમાં આયોજિત આ ભવ્ય અને દિવ્ય લગ્ન સમારોહ અંગેની વિસ્તૃત જાણકારી આપવા સવાણી ગ્રુપ દ્વારા બુધવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, મહેશભાઈ સવાણીએ આ સમગ્ર લગ્ન સમારોહ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.
પત્રકાર પરિષદમાં મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં આ લગ્ન સમારોહ અંગેના ફોર્મનું વિતરણ કરીએ છીએ.એક જ દિવસમાં 500 ફોર્મનું વિતરણ થઇ જાય છે.જે બાબતે દુઃખ અનુભવવું કે આનંદ ? કારણ કે કેટલી મોટી સંખ્યામાં પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓના લગ્ન આપણે આપણી મર્યાદા હોઈને કરાવી શકતા નથી.આ આવેલા ફોર્મમાંથી સ્ક્રૂટિની કરીને 300 દીકરીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં, સૌ પ્રથમ માતા- પિતા, ભાઈ-બહેન તેમ કોઈ જ ન હોય તેને પ્રથમ પ્રાયોરિટી,માતા-પિતા,ભાઈ ન હોય તેને બીજી પ્રાયોરિટી તેમજ પરિવારમાં ફક્ત માતા અને દીકરી જ હોય તેને ત્રીજી પ્રાયોરિટી એમ એ પ્રકારે પ્રાયોરિટી નક્કી કરીએ છીએ. વર્ષે પ્રથમ વાર પરિવારમાં 9 બહેનો અને ભાઈ નાનો હોય તેવી એક દીકરીની પસંદગી પણ આ લગ્ન સમારોહમાં કરવામાં આવી છે.આ વર્ષે કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઈનના પાલન સાથે આ લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.4 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ 2 દિવસ સુધી સવારે 7 કલાકે અને સાંજે 5 કલાકે એમ 4 તબક્કામાં 70 મંડપમાં લગ્ન સમારોહ આયોજિત કરીને ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે.આ વર્ષે પ્રથમ વાર એક સ્ટેજ પર હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ ચારેય ધર્મના દંપતીઓના લગ્નની વિધિ તેમના ધર્મગુરુઓ કરાવશે અને આપણા દેશની એકતાના સૌને દર્શન થશે.આ વર્ષે અલગ અલગ તબક્કામાં કોરોના કાળમાં અવિરત સેવા કરનારી વિવિધ 51 સંસ્થાના પ્રમુખો, 51 ગંગાસ્વરૂપ બહેનો, નાની બાળાઓ, કોવિડ -19માં સેવા કરનારા તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવામાં આવશે.આ લગ્ન સમારોહ પૂર્વે 2 ડિસેમ્બરના રોજ પી.પી.સવાણી સ્કૂલ ગ્રાઉન્ડની સામે ગોપીન રીવર વિલ્લેમાં તમામ દીકરીઓને મહેંદી મુકવામાં આવશે.
” ચૂંદડી મહિયરની ” ની લગ્ન સમારોહ વિષે વધુ માહિતી આપતા સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે સ્ટેજ પર એક નાટ્યાત્મક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.તેમજ આ પ્રસંગે સમાજમાં સતત સેવાકીય યોગદાન આપનારા વલ્લભભાઈ લાખાણી, માવજીભાઈ લાખાણી, લવજીભાઈ બાદશાહ, કેશુભાઈ ગોટી, વસંતભાઈ ગજેરા તેમજ મનહરભાઈ સાસપરાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે જયેશ પ્રજાપતિ અને યોગિતા પટેલ રચિત ” ચૂંદડી મહિયરની “ની વિષયક ગીત તેમજ એક શોર્ટ ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવશે.આ લગ્ન સમારોહ માટે રાજ્યના તમામ પક્ષોના 182 ધારાભ્યોને રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.પિતા વિહોણી દીકરીઓના સૌએ પિતા બનવાનું છે.આપ ના અગ્રણી મનીષ સીસોદીયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.વિવિધ આગેવાનો ઉપસ્થિત રહેવા અંગે અમને જાણ કરશે.રાજ્યના મુખ્યમંત્રીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.આ લગ્ન ને કોઈ રાજકીય રીતે ન મૂલવશો.કોઈ પણ રાજકીય કાવા દાવા ન કરશો તેવી સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે મહેશભાઈ સવાણી ગત દિવસોમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ત્યારે, બિન રાજકીય રીતે અને સુરત જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વમાં અજોડ કહી શકાય તેવી આ સેવાકીય તેમની પ્રવૃત્તિને રાજકીય રીતે મૂલવવામાં ન આવે તેવી તેમની ટકોર અને વિનંતી ઘણી જ સૂચક છે.આ પત્રકાર પરિષદમાં સવાણી ગ્રુપના રમેશભાઈ, રાજુભાઈ,વિપુલભાઈ તળાવિયા સહિત વિવિધ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત