સુરત : એલએન્ડટીના હઝીરા ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’ થયું

સ્થાનિક
Spread the love

સુરત, 1 ડિસેમ્બર : હજીરા સ્થિત L&T કંપનીના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષનું નવું નામાભિધાન કરાયું હતું. આ કોમ્પ્લેક્ષ હવેથી ‘ એ.એમ.નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ-2021 ‘ના નામથી ઓળખાશે.મંત્રી અને મહાનુભાવોએ SBU બ્લોક ખાતે આ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કરી કંપનીની કામગીરીની વિગતો મેળવી હતી.’ આત્મનિર્ભર ભારત ‘ તેમજ ‘મેક ઈન ઇન્ડિયા’માં અગ્રેસર એવી L&T કંપનીએ ભારતને અન્ય દેશોની સરખામણીમાં અનેક સેક્ટરમાં ટોચનું સ્થાન અપાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. ન્યુક્લીયર, ડિફેન્સ, થર્મલ પ્લાન્ટ, ઓઈલ એન્ડ ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ, કે-9 વજ્ર ટેંક, આર્ટીલરી ગન, ઈથેનોલ રિએક્ટર્સ જેવી અનેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલું ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ લાર્સન એન્ડ ટૂબ્રોએ સુરતના હઝિરામાં એની ઉત્પાદન સુવિધાનું નામ બદલીને એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ કરીને એના ચેરમેન એ.એમ.નાયકનું સન્માન કર્યું છે.આ અંગે એલએન્ડટીના સીઇઓ અને એમડી એસ એન સુબ્રહમન્યન (એસએનએસ)એ કહ્યું હતું કે, “ એલએન્ડટીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સર્વાનુમતે એના ચેરમેન એ.એમ. નાયકની ભૂમિકાને બિરદાવવાનો નિર્ણય કર્યો છે, જેમણે કંપનીને પરિવર્તિત કરીને નવી ઊંચાઈએ પહોંચાડી છે અને ખાસ કરીને સુરત નજીક હઝિરામાં મોટી સુવિધા સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. એટલે અમે હઝિરામાં ગ્રૂપની ઉત્પાદન સુવિધાનું નામ બદલીને એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ કરવાનો નિર્ણય લીધો છે.”
આ માટે 1 ડિસેમ્બર, 2021ના રોજ એલએન્ડટીના વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં સુવિધા પર એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયકે કહ્યું હતું કે, “કંપનીની લીડરશિપ ટીમની આ ચેષ્ટા મને સ્પર્શી ગઈ છે. મારું માનવું છે કે, ભેજવાળી કે કણણવાળી જમીનને એક સંકુલમાં પરિવર્તન કરવાના પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સને દેશના ગર્વ તરીકે ગણી શકાય છે. હઝિરા એ વાતનો પુરાવો છે કે, એલએન્ડટી અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો માટે ઉપકરણનું ઉત્પાદન કરશે અને ભારતને સતત ગર્વ થાય એવા સીમાચિહ્નો સર કરશે. સમગ્ર વિશ્વમાં વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં L&T ના 65 ટકા પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે ભવિષ્યમાં પણ કંપની પ્રબળ મહેનત અને જુસ્સાથી કામ કરી રાષ્ટ્રવિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે”
અત્રે ઉલ્લખનીય છે કે ત્રણ દાયકા અગાઉ તાપી નદીના મુખ નજીક એક સ્થળ પર પોચી, કળણવાળી પડતર જમીન હતી, જે સામાન્ય રીતે ભરતીમાં પાણીમાં ડૂબી જતી હતી. એ સમયે એલએન્ડટીના હેવી એન્જિનીયરિંગ અને ઇપીસી પ્રોજેક્ટ બિઝનેસનું સુકાન સંભાળતા નાયકે આ પડતર જમીનમાં એક વિશાળ કોમ્પ્લેક્સની કલ્પના કરી હતી, જે કંપનીના વિશાળ અને જટિલ રિએક્ટર્સ અને પ્રેશર વેસલ્સનું નિર્માણ કરવાની લાંબા ગાળાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું હતું. નાયકે પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું, જેના પગલે આ સુવિધાનું એકથી વધારે તબક્કામાં વિસ્તરણ થયું છે, જેમાં મોડ્યુલર ફેબ્રિકેશન યાર્ડ અને પાવર પ્લાન્ટ માટે અતિ મહત્વપૂર્ણ ઉપકરણ, ન્યૂક્લીઅર ફોર્જિંગ્સ અને વિશિષ્ટ આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સનું ઉત્પાદન થાય છે. 1.6 કિલોમીટર લાંબા પાણીના કિનારા સાથે 750 એકરમાં પથરાયેલી આ સુવિધા અમેરિકા, કેનેડા અને ફ્રાંસ સહિત દુનિયાભરમાં વિવિધ દેશોને અદ્યતન અને મોટા ઉપકરણની નિકાસ કરે છે.આ તમામ વર્ષોમાં હઝિરાએ વિવિધ આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કર્યા છે, જેમાં કેટલીક રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ માટે દુનિયાનાં કેટલાંક મોટાં રિએક્ટર્સ, ઓએનજીસી માટે ઓઇલ અને ગેસ પ્લેટફોર્મ તથા સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. સંરક્ષણ ઉપકરણ કાર્યક્રમમાં હોવિત્ઝર્સ – કે9 વજ્રનું ઉત્પાદન મુખ્ય હતું, જેને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે.એલએન્ડટીની અન્ય મુખ્ય ઉત્પાદન સુવિધાઓ ઉપરાંત એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ પ્રક્રિયામાં સતત સુધારો કરી રહ્યું છે તથા સચોટતા અને સ્પીડ વધારવા ઓટોમેશન અને રોબોટિક્સનો સામેલ કરે છે.
બુધવારે આયોજિત આ પ્રસંગે ધારાસભ્ય ઝંખના પટેલ, કંપનીના સી.ઇ.ઓ. એસ.એન.સુબ્રમણ્યમ, કોર્પોરેટ લીડર વાય.એસ.ત્રિવેદી, સ્થાનિક અગ્રણીઓ તેમજ L&Tના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ :

લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય જૂથ છે. આ જૂથ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે. મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કામગીરી માટે સતત પ્રયાસરત છે, જેથી એલએન્ડટીએ આઠ દાયકાથી એના મુખ્ય વ્યવસાયોમાં લીડરશિપ મેળવી છે અને એને જાળવી રાખી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *