સુરત, 2 ડિસેમ્બર : સમગ્ર રાજ્યમાં હાલ કમોસમી માવઠાની વ્યાપક અસર થઇ છે. ખાસ કરીને આ માવઠાના કારણે દક્ષિણ ગુજરાતમાં ધરતીપુત્રોની પડ્યા પર પાટા જેવી સ્થિતિ થઇ છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.બીજી તરફ આ વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત શીતગારમાં ફેરવાઈ ગયું છે.જિલ્લાના ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે, સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.છેલ્લા 2 દિવસથી વરસેલા આ કમોસમી વરસાદના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રોકડિયા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.એક અંદાજ મુજબ જિલ્લામાં વિવિધ રોકડીયા પાક તેમજ શેરડી સહિતના પાકને કરોડોનું નુકશાન થયું છે.ત્યારે, દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના વિવિધ આગેવાનોએ આ માવઠામાં થયેલા નુકશાન અંગે સરકાર સત્વરે સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી છે.
આ કમોસમી માવઠાના કારણે સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘઉં, જુવાર, શાકભાજી, શેરડી સહિતના પાકને ભારે નુકશાન થયું છે.આ માવઠાના કારણે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીની કાપણી અટકી પડી છે.સુગર ફેક્ટરીઓ પણ બંધ રહેતા સુગર ફેક્ટરીઓને મજૂરોને સાચવવા સહિતના ખર્ચનું ભારણ વધી ગયું છે. એક અંદાજ મુજબ પ્રતિ દિન આ ક્ષેત્રમાં 50 હજાર ટન શેરડીની કાપણી થાય છે.જે હાલની સ્થિતિના કારણે બંધ છે. આમ,આ કમોસમી માવઠાના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઘણું જ આર્થિક નુકશાન થયું છે. હવે, એ જોવું રહ્યું કે આગામી દિવસોમાં સરકાર કેટલી ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને વળતરની ચુકવણી કરે છે ?
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત