સુરત : ‘ મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ‘ અભિયાન હેઠળ ‘મકરસંક્રાંતિ’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 2 ડિસેમ્બર : ગુજરાતના યુવાધનને યોગથી અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘મોબાઈલ ટૂ સ્પોર્ટસ’ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સ એપ, ઇનસ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા જરૂરી છે.‘ મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ’ અંતર્ગત યુવાનોને ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશ્યલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક્ની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ‘મકરસંક્રાંતિ’ વિષય પર એક ચિત્રસ્પર્ધા યોજાશે. સુરત શહેર/ગ્રામ્યની સ્પર્ધા 3 ડિસે.થી 24 ડિસે.2021 અને રાજ્ય કક્ષાની સ્પર્ધા 3 જાન્યુઆરી 2022ના રોજ યોજાશે. જેમા 8 થી 13 (જન્મ તા.31/12/2021ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A-4 સાઈઝના ડ્રોંઈગ પેપર પર ‘મકરસંક્રાંતિ’ વિષયક કૃતિ તૈયાર કરી 24 ડિસેમ્બર-2021 બપોરે 12 કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા C/O જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન, પહેલો માળ, નાનપુરા-સુરત ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે.રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ.25,000/- દ્વિતીય વિજેતાને રૂ.15,000/- અને તૃતીય વિજેતાને રૂ.10,000/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.5,000/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *