સુરત, 3 ડિસેમ્બર : સમગ્ર રાજ્યમાં પ્રતિ દિન કોઈને કોઈ સરકારી વિભાગના કર્મચારી-અધિકારી લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ જતા હોય તેવી ઘટના સામે આવે છે. તેમ છતાં લાંચનું દુષણ અટકતું નથી.આવી જ કઈંક ઘટના વલસાડ જિલ્લાની સામે આવી છે.જેમાં,વલાસાડમાં દારૂના કેસમાં ઝડપાયેલા વ્યક્તિ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા માટે લાખ રૂપિયા માગ્યા બાદ છેવટે 50 હજારની લાંચ લેવાનું વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન એ.એસ.આઇ. એ નક્કી કર્યું હતું.આ એ.એસ.આઈ વતી ખાનગી વ્યક્તિ સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર પાસેથી 50 હજાર રૂપિયા લેતા એસીબીના રંગે હાથ ઝડપાઇ ગયો છે.જયારે એ.એસ.આઈ ઝડપાયો નથી તેને લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ એ.એસ.આઈ સતીષ સયાજી સોમવંશી વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વર્ગ-૩ના અધિકારી છે.તેમણે દારૂના કેસમાં એક વ્યક્તિ વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા માટે લાખ રૂપિયાની લાંચ માંગી હતી.જેમાં રકઝકના અંતે 50 હજાર રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું.જેમાં એ.એસ.આઈ એ ચતુરાઈ વાપરીને પોતાના વતી ખાનગી વ્યક્તિ રામસીંગ જયરામ પાટીલને સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર પાસે 50 હજાર રૂપિયા લેવા મોકલ્યો હતો.આ લાંચ નહિ દેવાની ગણતરી સાથે ફરિયાદીએ એસીબી સાથે ગણતરીપૂર્વક છટકું ગોઠવ્યું હતું. જેમાં રામસીંગ જયરામ પાટીલ 50 હજાર રૂપિયા લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.જયારે હજુ એ.એસ.આઈ પોલીસ પકડથી દૂર છે.આ સમગ્ર છટકું આર.કે.સોલંકી, પો.ઇન્સ.સુરત ગ્રામ્ય, એસીબી પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું.આ ઘટનાથી સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં હાલ સન્નાટો છવાઈ ગયો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત