સુરત, 3 ડિસેમ્બર : ‘ 3 ડિસેમ્બર- વિશ્વ દિવ્યાંગ દિન ‘ની ઉજવણીના ભાગરૂપે સુરતના સગરામપુરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 36 અને 37 ખાતે દિવ્યાંગો માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને નવી સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ અને સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 361 દિવ્યાંગ લાભાર્થીઓના નિદાન, સારવાર તેમજ વિવિધ યોજનાકીય સહાય અને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતા.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલે દિવ્યાંગોને વિવિધ યોજનાઓ વિષે માહિતગાર કરી તેના લાભો લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સ્થળ પર જ દિવ્યાંગ ઓળખકાર્ડ, સાધન સહાય યોજના, લગ્ન સહાય, યુડીઆઇડી કાર્ડ રજિસ્ટ્રેશન, નવા દિવ્યાંગ સર્ટિફિકેટ માટે તબીબી તપાસ તેમજ કાઉન્સેલિંગ, રોજગાર રજિસ્ટ્રેશન, મતદાન જાગૃતિ, દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજના અને બાળ સુરક્ષાના વિવિધ કાયદાઓની સમજ અને જાણકારી સાથે યોજનાકીય સહાયના ફોર્મ ભરવાની સુવિધા ઊભી કરી વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગોને એક જ સ્થળેથી તમામ પ્રમાણપત્રોને લગતી અને મેડિકલ સુવિધાઓ મળી રહે તેમજ તેમના સમયનો બચાવ થાય એ માટેનો હોવાનું તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે નવી સિવિલના આંખના સર્જન ડૉ. દર્શન પટેલ, ઓર્થોપેડીક વિભાગના ડો.કૃણાલ ચૌધરી, ડો.નિર્મલ પરમાર, ડો.ઈશા પટેલ, ડો.વિજય હડીયલ, માનસિક રોગના ડો.દર્શન, ડો.તન્વી, ડો.શિવાની, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ગુરપ્રીત કૌર અને ઇએનટી વિભાગના ડો.એસ.ફેબિન તથા વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત