સુરત, 3 ડિસેમ્બર : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજ રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરી હતી, જ્યાં મંત્રીના વરદ્દ હસ્તે દર્દીઓની સુવિધા માટે નવી સિવિલને 5 વ્હીલચેર અને 2 વોકર, સુરત રેલવે સ્ટેશનને 2 વ્હીલચેર સહિત કુલ 7 વ્હીલચેર અને 2 વોકર અર્પણ કરવામાં આવ્યાં હતાં. મજૂરાગેટના સતત કાર્યશીલ અને જાગૃત્ત ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવીએ મજૂરા વિધાનસભામાં આવતી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓ, મેડિકલ સંસાધનો ઉપલબ્ધ બને એ માટે ચિંતિત રહીને ખૂટતી સુવિધાઓને પૂર્ણ કરવામાં વિશેષ યોગદાન આપ્યું છે, ત્યારે આજે નવી સિવિલની મુલાકાત દરમિયાન તેમણે ઉપલબ્ધ આરોગ્ય સુવિધા-વ્યવસ્થાને નિહાળી હતી અને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી.
સુરત સિવિલમાં ફાળવવામાં આવેલા 5 પૈકી એક વ્હીલચેર 75 વર્ષના વૃદ્ધાની સુવિધા માટે અપાયું હતું, જે તેમના પુત્રએ સ્વીકાર્યું હતું. બે વોકર સિવિલના હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનને અર્પણ કરાયા હતાં. સુરત રેલવે સ્ટેશન પર આવતાં દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોની સુવિધા માટે પણ બે વ્હીલચેર મંત્રીના હસ્તે આપવામાં આવ્યાં હતાં, જેને સુરત રેલવે સ્ટેશન ખાતે મોકલી અપાયા હતાં. જ્યાં PAC (પેસેન્જર એમેનિટી કમિટી)ના મેમ્બર છોટુપાટિલના વરદ્દહસ્તે સ્ટેશન માસ્તરશ્રી ખટીકને અર્પણ કરાયા હતાં.આ પ્રસંગે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નગરસેવક સર્વ વ્રજેશ ઉનડકટ,આર.એમ.ઓ.ડો.કેતન નાયક, નિલેશ લાઠીયા સહિત નવી સિવલના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત