સુરત, 3 ડિસેમ્બર : સુરત આવકવેરા વિભાગ દ્વારા લાંબા સમય બાદ શનિવારે શહેરમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના મોટા ગજાના બિલ્ડરમાં જેમની ગણતરી થાય છે તે અને ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. આ ઉપરાંત શહેરના અરિહંત, અમોરા ગ્રુપ, મહેન્દ્રભાઈ ફાઈનાન્સર અને કિરણ સંઘવીને ત્યાં પણ દરોડા પડ્યા છે. એક સાથે 30 ઠેકાણા પર તપાસ ચલાવવામાં આવી રહી છે.
સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારેવહેલી સવારે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બદલી પામીને સુરત આવેલા નવા કમિશનર કેયૂર પટેલની આગેવાની અને માર્ગદર્શનમાં 125થી વધુ અધિકારીઓનો કાફલો 27 જેટલા સ્થળે સાગમટે તપાસ કરી રહ્યાં છે. આ વખતે ડીઆઈ વિંગ દ્વારા બિલ્ડર ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત એક મોટા ગજાના દલાલનું નામ પણ સંભળાઈ રહ્યું છે. કુલ 30 ઠેકાણે તપાસ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.સંગિની ગ્રુપ દ્વારાછેલ્લાં પાંચ વર્ષમાં તેઓએ સારા એવા પ્રોજેક્ટ વેસૂ, અડાજણ, ગૌરવપથ, જહાંગીરપુરા, વીઆઈપી રોડ પર મુક્યા છે. હાલ સંગિની ગ્રુપના સંગિની ટેરેઝા, સ્વરાજ, વેદાન્તા, ઈવોક, એરાઈઝ, સિદ્ધાન્તા, સાકાર સહિતના 7 પ્રોજેક્ટ અંડરકન્સ્ટ્રક્શન છે.હાલ તો આ દરોડાની કાર્યવાહી વિષે હજુ વધુ વિગતો સાંપડી નથી પરંતુ, આ દરોડાને લઈને બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે.આગામી દિવસોમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હજુ વધુ દરોડા પાડવામાં આવે તો નવાઈ નહીં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત