સુરત,4 ડિસેમ્બર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની સરદાર વલ્લભભાઈ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT કોલેજ)ના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર- ‘અશાઈન’ની મુલાકાત લઈ 40 જેટલા સ્ટાર્ટઅપ સાહસિકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે નવયુવાનો સાથે સંવાદ સાધી તેમના પ્રોજેક્ટ નિહાળ્યા હતાં, અને તેમના પ્રોજેક્ટસની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે SVNIT ‘અશાઈન’ સેન્ટરના હોદ્દેદારોને અભિનંદન આપતાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, ‘SVNITનું આ સેન્ટર ઉગતા અને પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું છે. અહીં એક જ છત્ર હેઠળ કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, મોબાઈલ એપ જેવા 40 જેટલા સ્ટાર્ટઅપ પર કામ થઈ રહ્યું છે. દેશનો યુવાન પરિવર્તન માટે સક્ષમ અને સજાગ છે એ વાતની સાબિતી આ યુવાનો પૂરી પાડી રહ્યાં છે. સરકાર દ્વારા કુશળ યુવાનોને ટેકનોલોજી, ફંડિંગ સહિતનો જરૂરી સહકાર મળી રહે એ માટે સાંકળ બનવાનો તેમણે પ્રયાસ કર્યો હોવાનું ઉમેર્યું હતું.સુરત અને દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટ અપ પર કામ કરતાં સાહસિકોને મદદરૂપ થવાં દેશના અલગ અલગ ક્ષેત્રના રોકાણકારોને આગામી સમયમાં સુરતમાં આમંત્રિત કરી એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ યોજવાનું તેમનું વિશેષ આયોજન છે, જેથી યુવાધનના નવા વિચારોને પ્લેટફોર્મ મળી રહે. આ ઈવેન્ટને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અશાઈન સેન્ટરના સી.ઈ.ઓ કલ્પ ભટ્ટ, કોર્પોરેટરવ્રજેશ ઉનડકટ, સેન્ટરના ડિરેક્ટર ડો.આર્વી રાવ, મેનેજર દર્શન મહેતા સહિત સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિક યુવાનો અને કોલેજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
