સુરત, 6 ડિસેમ્બર : દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત 28 ઓગસ્ટ, 1949થી થઈ હતી. ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં એક સમિતિની નીમીને દર વર્ષે 7મી ડિસેમ્બરને સૈનિકોના સન્માન માટે ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આવતીકાલે ‘સશસ્ત્ર સેના દિન’ના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓક સશસ્ત્ર સેના ધ્વજદિન-2021 ની ઉજવણીનો પ્રારંભ કરાવશે. જેમાં કલેક્ટર શહીદ સૈનિકોના પરિવારોને સહાયરૂપ થવાં માટે પોતાનું આર્થિક યોગદાન આપી ઉજવણીનો શુભારંભ કરશે.
દેશના સીમાડાઓના રક્ષણ કરતાં પોતાનું જીવન ન્યોચ્છાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક ‘સશસ્ત્ર દળ ધ્વજ દિવસ’ ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે. આ દિવસે ભારતીય ધ્વજ, બેજ, સ્ટીકરો અને અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરીને સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને શહીદ સૈનિકોના પરિવારને સહાયરૂપ થવાનો તેમજ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે.સમગ્ર દેશમાં ત્રણ સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘાટો વાદળી અને આછા વાદળી રંગોમાં નાના ધ્વજ અને કારના ધ્વજને નાગરિકોના યથાશક્તિ દાનના બદલામાં વિતરણ કરવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત