સુરતના આંગણે 11થી 20 ડિસેમ્બર દરમિયાન ‘ હુનર હાટ ’ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 7 ડિસેમ્બર : કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા હસ્તકલા, આર્ટ અને ક્રાફ્ટના કુશળ કારીગરોને વિશાળ પ્લેટફોર્મ આપવા સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 11 થી 20 ડિસેમ્બર દરમિયાન ‘હુનર હાટ’ યોજાશે. 12મીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ઉપસ્થિત રહી ‘હુનર હાટ’ને ઔપચારિક રીતે ખુલ્લો મૂકશે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મૂર્તિમંત કરતાં આ ‘હુનર હાટ’માં લગભગ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં વિશિષ્ટ કલા ધરાવતા 300 જેટલા સ્ટોલ થકી હસ્તકલા કારીગરો, શિલ્પકાર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાકારો ભાગ લેશે અને પોતાની કલા-હુનરને પ્રદર્શિત કરશે. 11 દિવસના હુનર હાટમાં સવારે 10થી રાત્રે 10 દરમિયાન શહેરીજનો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.
સુરતના ‘હુનર હાટ’ પ્રદર્શનમાં કૌશલ્યના ઉસ્તાદોને વિશાળ માર્કેટ મળશે અને તેમને રોજગારીની ઘણી નવી તકો ઉભી થશે. વનિતા વિશ્રામ ખાતે રેમ્બો ઇન્ટરનેશનલ સર્કસ ખાતે આકર્ષણનું કેન્દ્ર બનશે. સર્કસના 22 કલાકારો આશ્ચર્યજનક પરાક્રમો કરશે. આ ઉપરાંત, પ્રતિદિન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત કલાકારો ભાગ લેશે. એક્ઝિબિશનમાં સુરતીજનો હસ્તકલા, ભોજન તેમજ સંસ્કૃતિના અનોખા સમન્વયના સાક્ષી બનશે.
નોંધનીય છે કે, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા વર્ષ 2016માં ‘હુનર હાટ’ ની કલ્પના કરી તેને વાસ્તવિક રૂપ આપવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ કલા અને પરંપરાને સન્માન આપવા અને કલા અને કલાકારને માન્યતા આપવાનો છે. છેલ્લા 6 વર્ષોથી ‘હુનર હાટ’ લાખો કલાકારીગરો, શિલ્પકારો અને તેમની સાથે સંકળાયેલા કરોડો લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવામાં સતત અસરકારક ભૂમિકા ભજવી રહી છે.દેશના વિવિધ ભાગોમાંથી પરંપરાગત ફૂડ સ્ટોલ ઉપરાંત, મોટા કલાકારો તેમજ સ્થાનિક કલાકારોને પણ સ્ટેજ પર તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળે છે.આપણો ભારત દેશ કલા,શિલ્પ અને સ્વાદના ‘ સ્વદેશી વારસા ’ થી ભરપુર છે. કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી કારીગરોની કલાના વિવિધ રંગો જોવા મળે છે. પર્યાપ્ત તક અને માર્કેટના અભાવે નવી પેઢી પહેલાની જેમ હસ્તકળાના વારસા સાથે જોડાઈ શકી ન હતી. આ અભાવને દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારતીય કલા, પકવાન, સાંસ્કૃતિક વારસાને બહેતર પ્લેટફોર્મ તેમજ તક પ્રદાન કરવા દેશભરમાં ‘હુનર હાટ’ યોજવામાં આવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *