સુરત,7 ડિસેમ્બર : કતારગામ અભયમ 181 મહિલા હેલ્પલાઇને સુરતના કતારગામ,વેડ વિસ્તારમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશની પરપ્રાંતીય મીનાકુમારી (નામ બદલ્યું છે)ને વેડ ખાતેના ઘરે સહીસલામત પહોંચાડ્યા હતાં.
ગત રોજ એક જાગૃત્ત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કૉલ કરી કતારગામ વિસ્તારમાં એક અજાણી પરપ્રાંતીય મહિલા સવારથી ગુમસુમ બેઠી હોવાનું અને મુશ્કેલીમાં હોય એવું જણાતાં મદદ કરવાં અનુરોધ કર્યો હતો. જેથી કતારગામ સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ દર્શાવેલા સ્થળે પહોંચી યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે, અને હાલ સુરતના વેડ વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. બે નાના બાળકોના ભરણપોષણની જવાબદારી પતિ વહન કરતો ન હોવાથી મીનાકુમારી જાતે કામની શોધમાં હતા. એક અજાણી મહિલાએ કામ અપાવશે તેવી ખાતરી આપી અને કતારગામના એક વિસ્તારમાં લઈ જઈ જાત મહેનત અને બચતના 500 રૂપિયા પડાવી લીધા અને કતારગામમાં એક અજાણી જગ્યાએ છોડીને નાસી છૂટી. મીનાબેને આખો દિવસ એ મહિલાની રાહ જોઈ અને આખરે ગુમસુમ થઈને બેસી ગઈ હતી. અભયમ ટીમ દ્વારા તેમને તેના ઘરે પહોંચાડીને આળસુ પતિને કામ કરી ઘરની જવાબદારી અદા કરવા તાકીદ કરવામાં આવી હતી. મીનાકુમારીને અભયમ ટીમે સમજાવ્યુ કે કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો નહિ, ક્યારેક અજુગતી ઘટના બની શકે છે. જેથી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત