સુરત, 8 ડિસેમ્બર : સમગ્ર દેશમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે નેશનલ માસ્ટર પ્લાન પ્રદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ‘પીએમ ગતિ શક્તિ’ યોજના-2021’નો પ્રારંભ કર્યો છે, જેના ભાગરૂપે વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓના માર્ગદર્શન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDB દ્વારા સુરતમાં લોર્ડ્સ પ્લાઝા ખાતે ‘PM ગતિશક્તિ ગુજરાત ઈન્ટીગ્રેટેડ માસ્ટરપ્લાન’ અંતર્ગત પ્રાદેશિક વર્કશોપ યોજાયો હતો.
GIDB અને ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (BISAG-N) સાથે સંયુક્ત રીતે આયોજિત આ વર્કશોપમાં BISAG ના પ્રોજેક્ટ ડિરેક્ટર ખાલિદ મહેમૂદે ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગે તલસ્પર્શી સમજ આપતાં જણાવ્યું કે, માળખાગત વિકાસકામોને વેગ મળે, જાહેર વિભાગો સાથે સુવ્યવસ્થિત સંકલન જળવાઈ રહે અને ગૂંચવાડાભરી વહીવટી પ્રક્રિયાના સ્થાને ડિજિટલ માધ્યમથી વિવિધ વિભાગીય મંજૂરીઓ મળી રહે એ માટે ‘PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડેલ કનેક્ટિવિટી’ શરૂ કર્યો છે. ગતિશક્તિ પ્રોજેક્ટ દેશના તમામ રાજ્યોને સાથે રાખીને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી લોજિસ્ટિકનો ખર્ચ પણ ઘટાડી શકાશે, કનેક્ટિવિટી સરળ થશે. આ યોજનાનો મુખ્ય હેતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે સંકલિત આયોજન અને સંકલન પ્રદાન કરવા સાથે અનેક વિભાગોને એકસાથે લાવવાનો છે, જે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી ભારતના અંતરિયાળ વિસ્તારોમાં લાસ્ટ-માઈલ કનેક્ટિવિટીને મજબૂત કરશે. યોજના હેઠળ 23 વિભાગો અને 50થી વધુ બોર્ડ-નિગમોને ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત સંકલિત કરવામાં આવ્યા છે. જેમાં રેલ્વે, નાગરિક ઉડ્ડયન, પેટ્રોલિયમ, શિપિંગ, માર્ગ પરિવહન, કાપડ અને ખાદ્ય જેવા વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે.
સ્વાગત પ્રવચન કરતાં GIDBના સિનિયર મેનેજર(પ્રોજેક્ટસ) હરેન પટેલે જણાવ્યું કે, કોઈપણ વિકાસકાર્ય કે પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં અન્ય વિભાગોની મંજૂરીની જરૂર પડતી હોય છે. ઉપરાંત ઘણાં વિભાગો પ્રોજેક્ટમાં પરસ્પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે, ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કોઈ સમસ્યા સર્જાય ત્યારે ગતિશક્તિ પોર્ટલની મદદથી નિવારણ મળશે. ગતિશક્તિ માસ્ટર પ્લાન એ તમામ વિભાગોને એક સાથે સાંકળીને સંબંધિત વિભાગની કામગીરીની વહેંચણી કર્યા બાદ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં મદદરૂપ બનશે. ડિજીટલ પોર્ટલના માધ્યમથી તમામ વિભાગો સાથે સંકલનમાં રહીને વિકાસકામોને વધુ ઝડપે, સમયસર પૂર્ણ કરવામાં આવશે. નગરપાલિકાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનો જેવા કે પાણીપુરવઠા પાઈપલાઈન નેટવર્ક, સિવરેજ, સ્ટોર્મ વોટર અને સ્ટ્રીટલાઈટ નેટવર્ક તેમજ અન્ય સાધનોનું ડેટા મેપિંગ શરૂ કરવા અનુરોધ કર્યો હતો, જેથી નગરપાલિકાઓ તેમના વિકાસકામોના આયોજનને એકસાથે હાથ ધરી શકે. આ પ્લાન દેશના લોજિસ્ટીકસ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની સિકલ બદલી નાંખશે. યુવાઓ માટે રોજગારીની નવી તકો અને લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પણ ઉપલબ્ધ બનશે.
આ વેળાએ ગતિશક્તિ ગુજરાત પોર્ટલનું ડેમોન્સ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતું. જેમાં ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને અન્ય એજન્સીઓનો સમય અને પ્રોજેક્ટનો ખર્ચ બચી શકે અને વિભાગોના વર્તમાન અને સૂચિત પ્રોજેક્ટ્સને સંકલિત કરવાં માટે રાજ્ય સરકારના વિભાગોની કાર્યયોજના પણ સમજાવી હતી.વર્કશોપમાં નિષ્ણાંત અધિકારીઓએ 'ગતિશક્તિ' માસ્ટર પ્લાનમાં આંતર-વિભાગીય સંકલન અને સમયબદ્ધ અમલીકરણમાં કઈ રીતે મદદરૂપ થશે એની વિવિધ કેસો દ્વારા માહિતી આપી હતી, તેમજ આ પ્રોજેક્ટ સાથે વિવિધ વિભાગોને જોડવાની પ્રક્રિયા અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.વર્કશોપના અંતે ઈન્ટરેક્ટિવ સેશનમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં મુંઝવતા પ્રશ્નોના નિષ્ણાતોએ સંતોષકારક ઉત્તરો આપ્યાં હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત