સુરત, 9 ડિસેમ્બર : મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. પ્રત્યેક લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે તેને કાયદાના રક્ષણની ખાતરી આપવામાં આવે છે, સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરાયો હોય છે. આવા અધિકારો કોઈ આપતું નથી અને કોઈ છીનવી પણ શકતું નથી. એટલે જ માનવજીવનને અર્થપૂર્ણ, સંતોષજનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને સ્વાતંત્ર્યને માનવ અધિકાર કહે છે.
10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે 10 ડિસેમ્બર,1948માં યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ (માનવ અધિકાર અંગે વિશ્વવ્યાપી ઘોષણાપત્ર)ની જાહેરાત કરી. જેને અનુલક્ષીને વિશ્વભરમાં 10 ડિસેમ્બરને ‘માનવ અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના વર્ષ 1993 માં થઈ અને ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં પણ રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી હતી. માનવ પોતાના જીવનમાં જે તકો મેળવવા સક્ષમ છે, તે તક અવરોધ વિના મળે, તેના અધિકારો ન ઝૂંટવાય એવો આ દિવસની ઉજવણીનો ખાસ અભિગમ છે.વર્ષ 2021ના માનવ અધિકાર દિવસની થીમ EQUALITY – Reducing inequalities, advancing human rights (સમાનતા – અસમાનતા ઘટાડવી, માનવ અધિકારોને આગળ વધારવા) છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે, તે સર્વાંગી વિકાસ સાધી શકે અને સામાજિક વાતાવરણ મળી રહે એનો દરેક રાજ્યએ સ્વીકાર કરીને તેના અધિકારોના રક્ષણની બાંયધરી આપી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની આગવી ઓળખ છે. આપણા દેશનું બંધારણ ૫ણ ભારતીય નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપે છે. આ મૂળભૂત અધિકારો એટલે (1) સમાનતાનો હક (2) સ્વતંત્રતાનો હક (3) શોષણ સામેનો હક (4) ધાર્મિક સ્વાતંત્રતાનો હક (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો (6) બંધારણીય ઈલાજોનો હક.
માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્યક્તિ-વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્સાઓમાં કોર્ટમાં જ ફરિયાદ કરી શકાય છે, પરંતુ તેના સિવાય પણ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) તેમજ રાજ્યા માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખિત ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને કરી શકે છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકો રાષ્ટ્રીય અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ ન્યાય અને વળતર પ્રાપ્ત કરી શકે છે.વર્તમાન સમયમાં મુક્તપણે આપણાં મૂળભૂત અધિકારો ભોગવવા માંગતા હોઈએ તો આપણે પણ અન્યના માનવ અધિકારોને માન-સન્માન આપવું જરૂરી છે. આદરસન્માન મેળવવા માટે અન્યને સન્માન આપવું આવશ્યક છે. ત્યારે જ સમાજના તમામ વ્યક્તિઓ માટે તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ બની શકીશું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત