સુરત, 9 ડિસેમ્બર : શ્રમિકોનું ‘સુરક્ષા કવચ’ એટલે ઈ-શ્રમ કાર્ડ. કેન્દ્ર અને રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના શ્રમિક સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘ઈ-શ્રમ કાર્ડ’ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાંડેસરા વિસ્તારના રિષતનગરમાં પૂજા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સીતારામ હિન્દી વિદ્યાલય ખાતે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ શરૂ છે. જેમાં 15 ડિસે. સુધી કાર્ડ કઢાવી શકાશે. આજ સુધીમાં 150 થી વધુ શ્રમિકોએ એક જ સ્થળેથી સરળતાપૂર્વક કાર્ડ મેળવ્યા છે.
કેમ્પના આયોજક, શાળાના ટ્રસ્ટી અને નગરસેવિકા સુધા પાંડેએ જણાવ્યું હતું કે, શ્રમિકોને કોરોનાના કપરા સમયમાં અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈ-શ્રમ કાર્ડ થકી શ્રમિકોને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય એ જ સરકારનો હેતુ છે. 6 ડિસેમ્બરથી શરૂ થયેલા આ કેમ્પમાં દૈનિક 75થી વધુ શ્રમિકોના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. સુરતના વધુમાં વધુ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ કઢાવી સુરક્ષાકવચ મેળવવા જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ કરાયો છે.
ઈ-શ્રમ કાર્ડની નોંધણી કરાવનાર S.Y.B.A. ના 20 વર્ષીય યુવા વિદ્યાર્થિની ચંદુબેન યાદવે જણાવ્યું હતું કે, ‘હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારા પિતા એક કારખાનામાં શ્રમિક છે. લોકડાઉનના સમયમાં પિતાને એક બાજુ કોરોના સંક્રમણનો ભય હતો તો બીજી બાજુ પરિવારનું ભરણપોષણની ચિંતા હતી. રાજ્ય સરકારના આ નિર્ણય થકી અમને મેડિક્લેમ અને શ્રમિકો માટેની અઢળક યોજનાનો લાભ અમારા જીવનના કઠિન સમયમાં આધારરૂપ બનશે તેની અમને ખુશી છે.’
પાંડેસરાના તુલસીધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સુર્યમણિ યાદવે જણાવ્યું હતું કે, ‘હું ફર્નિચરનું કામ કરીને ગુજરાન ચલાવું છે. ઈ-શ્રમ કાર્ડ થકી મૃત્યુ થાય તો 2 લાખ અને અકસ્માતમાં દિવ્યાંગ થતા 1 લાખની સહાય મળી શકે છે. આ પ્રકારની ઉમદા યોજના શ્રમિકોના પરિવારને આર્થિક આધાર આપવામાં સહાયરૂપ નીવડશે. કેમ કે, દૈનિક શ્રમ કરતા વ્યક્તિ માટે આટલી ધનરાશિ એકઠી કરીને સારવાર મેળવવી અત્યંત કઠિન છે. કોવિડના સમયમાં સરકારની અનાજ કીટ થકી મને મારા પરિવારનું ભરણપોષણ કરવામાં ખૂબ મદદ મળી હતી. જેના માટે હું રાજ્ય સરકારનો આભારી છું. રાજ્ય સરકારની શ્રમિકો માટેની યોજનાઓનો લાભ મારા જેવા અનેક શ્રમિકોએ જાગૃત્ત થઈને લેવો જોઈએ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત