સુરત, 10 ડિસેમ્બર : કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે 11થી 20 ડિસેમ્બર સુધી 34મા ‘હુનર હાટ’ યોજાશે, જે સંદર્ભે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રીમુખ્તાર અબ્બાસ નકવી સુરત આવી પહોંચ્યા હતાં, અને વનિતાવિશ્રામ મેદાન ખાતે હુનર હાટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. હુનર હાટમાં દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોએ સ્ટોલ તૈયાર કર્યા છે. આગામી 10 દિવસ સુધી લોકો હસ્તકલા અને વાનગીઓના 300 સ્ટોલની મુલાકાત લઈ શકશે અને ખરીદી કરી શકશે.
કેન્દ્રીય મંત્રી હુનર હાટ શરૂ થવાના એક દિવસ પહેલા સુરત પહોંચ્યા હતા. તેમણે એરપોર્ટથી સીધા વનિતા વિશ્રામ પહોંચીને સમગ્ર તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ તમામ 300 સ્ટોલની મુલાકાત લીધી હતી. વિશ્વકર્મા વાટિકા અને ફૂડ કોર્ટ 'મેરા ગાંવ મેરા દેશ'ની પણ મુલાકાત લીધી હતી. તેમણે આયોજક સમિતિના લોકો સાથે ચર્ચાવિચારણા કરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.વનિતા વિશ્રામના પ્રદર્શન મેદાનમાં હુનર હાટ 20 ડિસેમ્બર સુધી શરૂ રહેશે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાથી લઈને કોવિડ પ્રોટોકોલ અને માર્ગદર્શિકા સુધી વિશેષ કાળજી લેવામાં આવશે. એક ટીમ સેનિટાઈઝરથી લઈને સમગ્ર કેમ્પસ સુધી સામાજિક અંતર જાળવવા લોકો સાથે સતત સંકલન કરશે. કાર્યક્રમમાં તમામ માટે માસ્ક ફરજિયાત રહેશે, માસ્ક ન હોય તેઓને હુનર હાટની મેનેજિંગ કમિટી માસ્ક આપશે.
સુરક્ષા માટે હુનર હાટના મુખ્ય દ્વારથી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. હુનર હાટ 11 ડિસેમ્બરે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જ્યારે 12મી ડિસેમ્બર (રવિવાર)ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઔપચારિક ઉદ્દઘાટન કરવામાં આવશે. તેમની સાથે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સહિત અન્ય મંત્રીગણ અને મહાનુભાવો પણ મંચ પર હાજર રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત