” દિવ્ય કાશી,ભવ્ય કાશી ” અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન

સ્થાનિક
Spread the love

સુરત, 10 ડિસેમ્બર : કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ ધામનું નવિનીકરણ અને સૌંદર્યકરણ થયું છે.પીએમ મોદી તેમના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ” શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરીડોર ” ને આગામી 13મી ડિસેમ્બર, સોમવારના રોજ રાષ્ટ્રને અર્પણ કરી રહ્યા છે.ત્યારે, સમગ્ર દેશમાં ” દિવ્ય કાશી,ભવ્ય કાશી ” કાર્યક્રમની ભાજપ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે.જે અન્વયે શહેર મહાનગર ભાજપ દ્વારા તમામે તમામ 30 વોર્ડમાં થનારી ઉજવણીની મીડિયાને વિસ્તૃત માહિતી આપવા શુક્રવારે બીજેપી કાર્યાલય પર એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપા દ્વારા આયોજિત આ પત્રકાર પરીષદમાં દક્ષિણ ઝોનના પ્રવક્તા ડો.જગદીશ પટેલે જણાવ્યું હતું કે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક અને કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન બાબા વિશ્વનાથના મંદિરનું નવીનીકરણ કરવાનો સંકલ્પ પીએમ મોદીએ લોકો સમક્ષ વર્ષ 2014ની ચૂંટણી સમયે વ્યક્ત કર્યો હતો.ચૂંટણી ઢાંઢેરામાં આ વચન આપવામાં આવ્યું હતું. પીએમ મોદી ફક્ત વચન જ નથી આપતા પરંતુ તે કાર્ય કરીને બતવે છે તેના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે.તે પછી ભગવાન શ્રી રામનું અયોધ્યા સ્થિત મંદિરની વાત હોય, ભગવાન શ્રી બદ્રીનાથનું ધામ હોય કે પછી સરદાર સાહેબનું વિશાળ સ્મારક ” સ્ટેચ્યુ ઓફ યુનિટી ” હોય. દેશના મંદિરોને જે તે સમયે વિધ્વંશક પરિબળોએ તોડ્યા કે જે આપણો સાંસ્કૃતિક વારસો હતા.તેને હવે ભાજપના શાસનકાળમાં પીએમ મોદીના દ્રઢ સંકલ્પ સાથે ભવ્યાતિભવ્ય નવીનીકરણ થઇ રહ્યું છે.ભગવાન શ્રી કાશી વિશ્વનાથના મંદિરના એક સમયે માં ગંગાના કિનારાથી દર્શન થઇ શકતા ન હતા અને એજ રીતે મંદિરથી માં ગંગાના દર્શન થઇ શકતા ન હતા.આજે પીએમ મોદીની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે હવે ઘાટ પરથી અને મંદિર પરથી બનેં સ્થાનો ખુલ્લા થવાથી દર્શન થઇ શકશે.અંદાજિત 600 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આ ” શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરીડોર “ને 13મી ડિસેમ્બરે પીએમ મોદી સવારે 11 કલાકે લોકાર્પણ કરશે.ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે આપણા પીએમ તો ગુજરાતી છે જ સાથે સાથે આ સમગ્ર પ્રોજેક્ટ જેમણે સાકારિત કર્યો છે તે આર્કીટેક વિમલ પટેલ પણ ગુજરાતી છે. 13મી ડિસેમ્બરના આ ભવ્યાતિભવ્ય લોકાર્પણના સાક્ષી દરેક લોકો બને તે હેતુથી શહેરના દરેક વોર્ડમાં એક શિવાલય પર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો. પટેલે વિશેષમાં જાણવાયું હતું કે શહેરના દરેક વોર્ડમાં એક શિવાલય પર વિવિધ કાર્યક્રમો થશે.આ કાર્યક્રમની પૂર્વે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાફ -સફાઈ, સ્વચ્છતાના કાર્યક્રમો થશે.જેથી પવિત્રતા જળવાય. નિયત કરેલા શિવાલયો પર લોકો જળાભિષેક કરવામાં આવશે. જેમાં સંતો, મહંતો જોડાશે.તેમનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવશે.મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા અને યુવા મોરચા દ્વારા બાઈક રેલી આયોજિત કરવામાં આવી છે. આ નિયત કરેલા શિવાલયો પર લોકો ” શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરીડોર ” ના કાર્યકમને પુરી આસ્થા સાથે જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. શહેરની ધર્મ પ્રિય જનતા આસ્થાપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમમાં જોડાય તે માટે સૌને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો કાર્યક્રમ છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલી વાત છે.જેઓને વિરોધ કરવો છે તે તો આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ વિરોધ કરવાના.
પત્રકાર પરિષદમાં શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ, કાળુ ભીમનાથ,મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, વિવેક પટેલ, અરવિંદ રાણા,શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપૂત,દક્ષિણ ઝોનના મીડિયા વિભાગના સહ કન્વીનર દીપિકા ચાવડા, સુરત શહેર મીડિયા સેલના કન્વીનર શૈલેષ શુક્લ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *