રાજ્યમાં ટીપી સ્કીમોના અમલ માટે મિશન મોડમાં કામગીરી હાથ ધરાશે : મોરડીયા

સ્થાનિક
Spread the love

સુરત,10 ડિસેમ્બર : શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ જણાવ્યું છે કે, રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા અને સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્યમાં ટીપી સ્કીમોના ઝડપી અમલ માટે રાજ્યભરમાં મિશન મોડમાં કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે, મહાનગરો અને વિવિધ સત્તામંડળોમાં ટીપી સ્કીમો અંગેના પરામર્શ 60 દિવસમાં પૂર્ણ કરી રાજ્ય સરકારને સુપ્રત કરવા રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ અપાઈ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરોમાં જનસુખાકારીના કામો સત્વરે હાથ ધરાય અને નાગરિકોને સત્વરે લાભ મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વધતા શહેરીકરણને લીધે શહેરોનો વિકાસ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસમાં ટી.પી. સ્કીમો ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. નગર રચના યોજનાઓ આખરી કરવામા વિલંબ નિવારી શકાય તે હેતુસર જાહેર હિતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મંજુર મુસદારૂપ નગર રચના યોજનાની સુનાવણી બાદની દરખાસ્તો પરત્વે મુખ્ય નગર નિયોજક અને સમુચિત સતામંડળના પરામર્શ મેળવવા માટે નિયત કરાયેલ કાર્યપધ્ધતિ અંગે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામા આવી છે.મંત્રીએ ટી.પી. સ્કીમો પ્રારંભિક કે અંતિમ કરવા સમયે નગર નિયોજકશ્રીઓ દ્વારા માંગવામાં આવતો પરામર્શ સમુચિત સતામંડળ (મહાનગરપાલિકા / ઓથોરીટી) દ્વારા અગ્રિમતા આપીને વધુમાં વધુ દિવસમાં પરામર્શ આપવામા આવે તેવી વ્યવસ્થા ગોઠવવા મહાનગરપાલિકાના કમિશનરો તથા તમામ સત્તામંડળના ચેરમેનોને સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યમંત્રી મોરડિયા દ્વારા રાજ્યના તમામ નગર નિયોજકોની રીવ્યુ બેઠક યોજીને ટી.પી. સ્કીમોની કામગીરીમાં ઝડપ લાવવા માટે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા શક્ય તમામ પગલાઓ લેવાનું શરૂ કરાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *