સુરત : શહેરી વિકાસ રાજ્યમંત્રી મોરડીયાના અધ્યક્ષસ્થાને મનપામાં સમીક્ષા બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 10 ડિસેમ્બર : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા કચેરીના સભાખંડમાં મનપાની કામગીરી અને ભાવિ આયોજન અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ સૂચિત ટી.પી.સ્કીમોનું સ્ટેટસ, પાણી પૂરવઠા યોજના- ‘નલ સે જલ’ના નવા આયોજનો, અમૃત્ત યોજના, સિવરેજ અને સેપ્ટેજ મેનેજમેન્ટ, શહેરી પરિવહન, ગ્રીન સ્પેસ (પાર્ક), ઝોનવાઈઝ રોડ રિપેરિંગ, બ્રિજ સેલની કામગીરી, રખડતા ઢોરની સમસ્યા, પી.એમ.સ્વનિધિ યોજના, ભિક્ષુકમુક્ત સુરત અભિયાન અને તેમના પુન:સ્થાપન, સ્વચ્છ સર્વેક્ષણ-2022, ઈ-નગર પોર્ટલ, વેરા વસુલાતની કામગીરી, ફાયર અને ઈમરજન્સી સેવા, સ્માર્ટ સિટી યોજના, તાપી રિવરફ્રન્ટની વર્તમાન કામગીરી અને ભાવિ આયોજન અંગે સમીક્ષા કરી હતી.
બેઠકને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે, તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ઝડપભેર સાકારિત કરવા માટે રાજ્ય સરકાર પાલિકાને તમામ સહયોગ પૂરો પાડશે. સુરતમાં રખડતા ઢોરની સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે શહેરીતંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કરતાં કહ્યું કે, પાલિકા તંત્ર રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ આપવા મક્કમતાથી કાર્યરત છે. આ સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાં માટે તબેલા, ડેરીના પશુઓ પર RFID- રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન, ઈયર ટેગિંગ લગાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. આ સંદર્ભે મ્યુ.કમિશનરએ વિગતો આપતાં જણાવ્યું કે, વર્ષ 2020-21 દરમિયાન 2896 રખડતા ઢોરને પકડીને ડબ્બામાં પૂરી 31 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 2021 દરમિયાન આજ સુધી 4096 એટલે કે બે ગણા ઢોરને પકડવામાં આવ્યાં છે, અને ઢોરમાલિકો પાસેથી 40 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. મંત્રીએ તાપી નદી પરના પાળા પર દબાણ કરનારા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવાની તાકીદ કરતા અધિકારીઓને પાળા પર દબાણોને ડિમોલીશ કરવાં આદેશ આપ્યો હતો અને ફરી એ સ્થળે દબાણ ઉભું ન થાય એ માટે સમયાંતરે સુપરવિઝન કરી દબાણકર્તાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાં અને જરૂર જણાયે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મંત્રીએ કહ્યું કે, શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ 7 અને પાલિકાની હદમાં 5 ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે. જેમાં અગ્રીમતાના ધોરણે સૂચિત 10 ટીપીમાં સર્વે, DIRL સર્ટિફિકેશન અને સૈદ્ધાંતિક મંજૂરીની કાર્યવાહી પ્રગતિમાં છે. તેમણે જનપ્રતિનિધિઓના પત્રો, રજૂઆતો સંદર્ભે સંકલન જાળવી વિકાસ અને જનહિતના કામોને વધુ વેગથી પાર પાડવા અનુરોધ કર્યો હતો સુરતમાં પી.એમ.સ્વનિધિ યોજનામાં ફેરિયાઓ-સ્ટ્રીટ વેન્ડરોને 10 હજારની લોન આપી આત્મનિર્ભર બનાવવામાં ખુબ ઉપયોગી બની રહી છે એમ જણાવતાં પાલિકા દ્વારા આ યોજના હેઠળ 28,976 ફેરિયાઓની નોંધણી અને તે પૈકી 16,033 ફેરિયાઓને લોન આપવામાં આવી હોવાનું ઉમેર્યું હતું. બેઠકમાં ફાયર વિભાગના અધિકારીઓએ પાલિકા વિસ્તારમાં હયાત 17 ફાયર સ્ટેશનો સિવાય નવા 12 ફાયર સ્ટેશનોનું કામ પ્રગતિ હેઠળ હોવાની અને ફાયર વિભાગને અપગ્રેડ કરવાની કામગીરીની વિગતો આપી હતી.મેયર હેમાલી બોઘાવાલા ,મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ મનપાની કામગીરી અને આયોજન અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *