સુરત : શહેરના પાલનપુર પાટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 11 ડિસેમ્બર : તાજેતરમાં તામિલનાડું કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ સ્વ.બિપિન રાવતજી, એમના ધર્મપત્ની સ્વ.મધુલિકા રાવત સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલિનો આપવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સુરત પશ્ચિમ વિધાનસભા પરિવાર દ્વારા શનિવારે સુરતના પાલનપુર પાટિયા ખાતે યોજાયો હતો. જેમાં માર્ગ અને મકાન મંત્રીપૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મહાનુભાવોએ દિવંગત વીરોને પુષ્પાંજલિ અર્પી બે મિનિટ મૌન પાળી તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
હેલિકોપ્ટર દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘દેશના વીર યોદ્ધા સ્વ.બિપિન રાવતજીના થયેલાં અકાળે અવસાનથી સંપૂર્ણ દેશ આઘાતમાં છે. પરંતુ તેઓ પ્રત્યેક ભારતીયોના દિલમાં હંમેશા જીવંત રહેશે. સ્વ.રાવતજી પાકિસ્તાન અને ચીનની સરહદો પર મજબૂત મોરચાબંધી થકી જડબાતોડ જવાબ આપ્યો હતો. શહીદોનું દેશની રક્ષા માટેનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં.
મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ‘દેશની સરહદોની સુરક્ષા અને દેશવાસીઓના જીવનરક્ષા માટે ઝાંબાઝ સૈનિકો પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ આપે છે. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સ્વ.બિપિન રાવત સહિતના 13 શહીદ વીરોના અકાળે અવસાનથી દેશને મોટી ખોટ પડી છે. શહીદો દેશની સેવાસુરક્ષા કરતાં શહીદીને વર્યા છે, ત્યારે આ તમામ શહીદો લોકહ્રદયમાં હંમેશા જીવિત રહેશે એમ ગર્વથી ઉમેર્યું હતું.
મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે, ‘દેશની સીમાડાનું દિનરાત રક્ષણ કરતાં સૈનિકોના સેવા, ત્યાગ અને બલિદાનના કારણે જ આપણે રાત્રે નિરાંતની નિંદ્રા લઈ શકીએ છીએ. દેશવાસીઓની સેવામાં જીવન વ્યતિત કરનાર વીરોના કારણે તેમના પર દેશવાસીઓ ગર્વ અનુભવે છે.
આ વેળાએ સ્ટીલના વાસણનો વ્યવસાય કરતા અને અડાજણ પાટીયા ખાતે રહેતા 62 વર્ષીય પ્રકાશભાઇ તુલસીદાસ ગાંધીએ મુંડન કરાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, મને નાનપણથી જ આર્મીજવાનો પ્રત્યે માનસન્માન છે. છેલ્લા 25 વર્ષથી 15 સભ્યોનું અમારૂં સિનીયર સિટીઝનોનું ગૃપ દેશની સેવામાં શહીદી પામેલા સૈનિકોના પરિવારને મદદ કરી રહ્યાં છીએ. સ્વ.બિપિન રાવતની સ્મૃત્તિમાં મુંડન કરાવી મેં શોક વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સહિત સુરત પશ્ચિમ વિધાનસભાના કાર્યકરો, ભાજપાના હોદ્દેદારો, શહેરીજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *