સુરત, 12 ડિસેમ્બર : ભારત સરકારના લધુમતિ મંત્રાલય દ્વારા સુરતના આંગણે 20મી ડિસેમ્બર સુધી ચાલનારા 34માં ʻહુનર હાટʾનું રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ઉદ્દધાટન કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય લધુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના વનીતા વિશ્રામ ખાતે આયોજીત હુનર હાટને સંબોધન કરતા રાજયપાલએ જણાવ્યું હતું કે, આપણો દેશ દસ્તકારો, શિલ્પકારોની સ્વદેશી વિરાસતથી ભરપુર છે. આ લુપ્ત થતી જતી પરંપરાગત કલા, કૌશલ્યને હુનર હાટના માધ્યમથી પુનઃજીવિત કરવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સમગ્ર ભારતના 30 રાજયો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા કારીગરો પોતાના હુનર થકી તેમના ઉત્પાદનોને વેચાણનું પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કાર્ય હુનર હાટથકી શકય બન્યું છે. પ્રાચીન સમયમાં ભારતની ઓળખ સોને કે ચીડીયાને તરીકે થતી હતી. આવા હુનર અને કલા કૌશલ્યવાનોની ચીજવસ્તુઓ વિદેશોમાં નિકાસ થતી જે હુંડિયામણથી દેશ સોને કી ચીડીયા તરીકે ઓળખાતો હતો.નવી પેઢીના પ્રતિભાવાન કારીગરોને પ્રોત્સાહન મળી રહે તેમના પૂર્વજોના કૌશલ્યો સાથે તેઓ જોડાયેલા રહી કલાકારીગરી દ્વારા આર્થીક પ્રગતિ અને રોજગારની તકો પુરી પાડવા હુનર હાટનો ઉદ્દેશ હોવાનું તેમણે કહ્યું હતું. હુનર હાટના પરિણામે સાત લાખથી વધુ કારીગરોને રોજગારીનો નવો અવસર મળ્યો હોવાનો ઉલ્લેખ કરતા રાજયપાલએ કહ્યું કે, હુનર હાટએ સમગ્ર રાષ્ટ્રમાં એકતાનો ભાવ પ્રગટ કરે છે. સૌને સાથે જોડીને વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકારિત કરીને ભારત વિશ્વ ગુરૂ બને તેવી નેમ તેમણે વ્યકત કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય લધુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, વિશ્વકર્માની વિરાસતને હુનર હાટ થકી યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કાર્ય થઈ રહ્યું છે. દેશને ખુણે ખુણે રહેલી લાખો પ્રતિભાવોને હુનર હાટથી રોજગારીનો નવો અવસર મળ્યો છે. સાત લાખથી વધુ શિલ્પકારો, કારીગરોને રોજગારી પુરી પાડી છે જેમાં 40 ટકાથી વધુ મહિલા ઉદ્યમીઓ હોવાનું તેમણે કહ્યું હતું.
આ અવસરે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સુરતના આંગણે સમગ્ર ભારતમાંથી અનેક કલાના કસબીઓ પોતાની કલા લઈને આવ્યા છે ત્યારે સુરતવાસીઓ પણ તેમની કલાની કદર કરીને વોકલ ફોર લોકલના નારાને સાર્થક કરવાની હિમાયત તેમણે કરી હતી.
આ પ્રસંગે રાજયપાલ તથા અન્ય મહાનુભાવોએ વિશ્વકર્માવાટીકામાં કલાકારોની ઉત્પાદન પધ્ધતિને નિહાળીને અન્ય સ્ટોલની મુલાકાત લઈને કલાના કસબીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર દેશના 30 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા શિલ્પકારો, દસ્તાકારો દ્વારા ૩૦૦ જેટલા સ્ટોલમાં પોતાની કલાકારીગરી પ્રદર્શિત કરી છે.આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલ, મેયર હેમાલી બોધાવાલા, ધારાસભ્યો, શિલ્પકારો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત