સુરત, 13 ડિસેમ્બર : કરોડો હિન્દુ પરિવારની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા યાત્રાધામ કાશી ખાતે બીરાજમાન ભગવાન શિવના મંદિર શ્રી કાશી વિશ્વનાથ ધામના નવીનીકરણ અને સૌન્દર્યકરણ બાદ સાકારિત થયેલા ” શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરીડોર “નું વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને અર્પણ કર્યું.આ સમગ્ર કાર્યક્રમનું કરવામાં આવેલા જીવંત પ્રસારણને દેશ-વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓએ નિહાળ્યું.ભગવાન શ્રી કાશી વિશ્વનાથના પુનરોદ્ધારના આ પાવન પ્રસંગને સમગ્ર દેશ -વિદેશમાં લોકોએ પ્રચંડ ઉત્સાહ સહ આસ્થાસભર વાતવરણમાં ઉજવ્યો.સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમને ” દિવ્ય કાશી,ભવ્ય કાશી “ના રૂપમાં ઉજવણી કરી.જે સંદર્ભે સુરત શહેર દ્વારા કાપોદ્રા સ્થિત સિદ્ધનાથ કુટીરમાં આયોજિત કાર્યક્રમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ આ પરિસરમાં સ્થિત ભગવાન શ્રી કપિલેશ્વર મહાદેવને જળાભિષેક કર્યો હતો. ભગવાન ભોલેનાથના જળાભિષેક અવસરે સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.જળાભિષેક બાદ વારાણસીથી કરાયેલા જીવંત પ્રસારણને ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.આ પ્રસંગે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ અને સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન દરમ્યાન સમગ્ર પરિસરમાં કાર્યકર્તાઓના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે, મોગલોના સમયમાં સૌથી મોટા એવા કાશી વિશ્વનાથ મંદિર પર અનેક વાર આક્રમણ થયા હતા. આખો દેશ ઈચ્છતો હતો કે કાશી વિશ્વનાથ મંદિર નું જીર્ણોધ્ધાર થાય. સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર પણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની શરૂઆત બાદ જે કામો બાકી હતા તે પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જાતે રસ દાખવી કાશી વિશ્વનાથ મંદિર નું જીર્ણોધ્ધાર કરી લોકાર્પણ કર્યું છે. આજે ગંગા અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચેનું જે અંતર હતું તે વડાપ્રધાને દૂર કર્યું છે. ગંગા કિનારે આવેલું કાશી વિશ્વનાથ મંદિર ઘણા એક્રોચમેન્ટ કારણે નદીથી ઘણું દૂર લાગતું હતું. પરંતુ હવે મંદિરમાંથી પણ સીધા ગંગા નદીના દર્શન થઈ શકે છે. કાશી વિશ્વનાથથી ગંગા ને દૂર નહીં કરી શકાય. ગંગાજી જ્યારે પૃથ્વી પર અવતર્યા ત્યારે સીધા મહાદેવજીની જટામાં ઉતર્યા હતા.જો કે કાશી વિશ્વનાથ મંદિર ગંગા નદીના કિનારે હોવા છતાં તેના દર્શન નજીકથી થઈ શકતા નહોતા.હવે કાશી વિશ્વનાથ મંદિરમાંથી ગંગાના દર્શન થઈ શકે છે અને ગંગા નદીથી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન સરળતાથી થઈ શકે છે.આખા દેશભરના હિન્દૂ ભાઈ-બહેનો અને સનાતન ધર્મના લોકોની માંગ હતી કે કાશી વિશ્વનાથ મંદિરનું જીર્ણોધ્ધાર થાય,જે આજે વડાપ્રધાનએ લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી આ સ્વપ્ન પૂરું કર્યું છે.જે બદલ તેઓને હું અભિનંદન પાઠવું છું.
સિદ્ધકુટીર આશ્રમ ખાતે આયોજિત દિવ્ય કાશી,ભવ્ય કાશી " કાર્યક્રમમાં મહામંડલેશ્વર 1008 મહંત સીતારામદાસજી, સ્વામી લક્ષ્મણજ્યોતિજી, કથાકાર અભયબાપુ મહારાજ, જગન્નાથ બાપુ, રામલખનદાસજી મહારાજ, ડો.રામપ્રિયદાસજી, હરિઓમ ગુરુજી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા, સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્યો , સંગઠનના વિવિધ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા." શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરીડોર " ના લોકાર્પણ બાદ ઉપસ્થિત સૌ નાગરિકોમાં મીઠાઈનું વિતરણ કરી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું તેમજ સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.આસ્થાસભર વાતાવરણમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત