સુરત ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં 171 ગ્રાહકોને ક્લેઇમના 1.60 કરોડની ચૂકવણી કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 12 ડિસેમ્બર : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઈચ્છાનાથ સ્થિત ઈન્સ્ટીટયુટ ઓફ એન્જિનીયર્સ ખાતે ફડચામાં ગયેલી કપોળ કો-ઓપરેટિવ બેંકના 171 ગ્રાહકોને ‘ડિપોઝીટર્સ ફર્સ્ટ’ કાર્યક્રમ અંતર્ગત DICGC ક્લેઈમના રૂ.1.60 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં. સુરતના 5 ગ્રાહકોને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચેક વિતરણ કરાયા હતાં, જ્યારે 5 ગ્રાહકોને સુરતના ઈચ્છાનાથ ખાતેથી રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ચેક અર્પણ કરાયા હતાં.
‘ ડિપોઝીટર્સ ફર્સ્ટ: ગેરન્ટીડ ટાઈમબાઉન્ડ ડિપોઝીટ ઈન્સ્યુરન્સ પેમેન્ટ અપ ટુ ૫ લાખ ‘ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, દેશની સમૃદ્ધિમાં બેંકોનું મહત્વ મૂલ્યવાન છે. જેથી બેંક અને ગ્રાહકો વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોવા જરૂરી છે. બેંકોને બચાવવા માટે બેંક ખાતેદારોના જમા નાણા સુરક્ષિત રહે તે ખુબ જરૂરી છે. એટલે જ બેંક ખાતેદારોની નાણાકીય સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ઉપરાંત, ગ્રાહકોના ગ્રાહકો બેંકખાતામાં પોતાના નાણા જમા રાખશે તો જ જરૂરિયાતમંદ નાગરિકો, ઉદ્યોગોને લોન મળી શકશે. ‘ડિપોઝીટર્સ ફર્સ્ટ’ કાર્યકમ હેઠળ ફડચામાં ગયેલી કપોળ કો-ઓપરેટિવ બેંકના 171 ગ્રાહકોને પોતાની મૂડીના રૂ.1.60 કરોડ પરત મળ્યા છે, જે સરાહનાને પાત્ર છે.બંધ પડેલી બેંકને પુન: કાર્યરત કરવા માટે કેન્દ્ર સરકાર નવી યોજનાઓ લાવી રહી છે. નાણાને બેંક ખાતામાં જ જમા રાખવા એ અર્થતંત્રને વેગવાન રાખવાનો સરળ ઉપાય છે. કેન્દ્ર સરકાર ફડચામાં ગયેલી બેંકોના ગ્રાહકોને પોતાની જમાપૂંજી પરત આપવા પ્રતિબદ્ધ છે.
ભારતના કુલ ૧૮ સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે, બેંકમાં ડિપોઝીટર્સને અગાઉ રૂ.એક લાખનું આપવામાં આવેલું વીમાકવચ મળતું હતું, જેને 1 સપ્ટેમ્બરથી રૂ.પાંચ લાખ કરવામાં આવ્યું છે, જેથી બેંક ફડચામાં જાય તેવી પરિસ્થિતિમાં જમાકર્તાઓને 90 દિવસમાં રૂ.પાંચ લાખ સુધીની રકમ પરત મળી જશે. આ પહેલથી બેંક ગ્રાહકોનો બેન્કિંગ વ્યવસ્થા પરનો વિશ્વાસ વધુ મજબૂત થશે.
આ પ્રસંગે બેંક ઓફ બરોડાના વડોદરા ઝોનના જનરલ મેનેજર રાજેશકુમારસિંહ, રિજનલ હેડ આર.કે.ગોયલ અને અશ્વિની કુમાર, સ્ટેટ બેંકના DGM અબ્રાહમ સેલવિન, નાબાર્ડના DDM કુંતલ સુરતી, SLBCના AGM બળદેવ પટેલ, યુનિયન બેંકના રિજનલ હેડ તથા વિવિધ બેન્કોના અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *