સુરત,16 ડિસેમ્બર (હિ.સ.) ‘ વાયબ્રન્ટ ગુજરાત-2022 ’ને અનુલક્ષીને ‘ પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2021’ અંતર્ગત આણંદ ખાતે નેશનલ ફાર્મિંગ અંગેનું પ્રથમ રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જે સંદર્ભે બારડોલી ખાતે નગરપાલિકાના ટાઉનહોલમાં આદિજાતિ વિકાસ, આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારના અધ્યક્ષસ્થાને નેશનલ ફાર્મિંગ અંગેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ કોન્કલેવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી સુથારએ જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશક દવાઓનો ઉપયોગ વધતા જમીનમાં રહેલા કૃષિમિત્ર જીવ-જંતુઓનો નાશ, ઉત્પાદન ખર્ચમાં વધારો અને જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. ઉપરાંત રાસાયણિક ખાતરથી ઉત્પન્ન થતા અનાજના ઉપયોગથી માનવ બિમારીઓનું પ્રમાણ વધ્યું છે, અને પશુપક્ષીઓ માટે જીવનું જોખમ ઉભું થાય છે. આ સંજોગોમાં હવે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય તેમજ ‘કેમિકલ ફ્રી’ અનાજનું ઉત્પાદન થાય તે સમયની માંગ છે.
મંત્રીએ રાસાયણિક ખેતીથી થતા ગેરલાભો વર્ણવી ઉમેર્યું કે, આ પ્રકારની કૃષિથી પર્યાવરણ, મનુષ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ છે. દેશને અન્ન પુરવઠો પૂરો પાડવા ઘનિષ્ઠ પાક ઉત્પાદન પદ્ધતિઓના ઉપયોગથી મનુષ્યમાં રોગપ્રતિકારકતા ઘટી છે અને અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ખર્ચ ઓછો કરવા અને સ્વાસ્થ્યવર્ધક પાકઉત્પાદન મેળવવા તેમણે ખેડૂતોને સરળ અને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા પ્રેરાય તે માટે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરીને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી હતી. પરિણામસ્વરૂપ આજે રાજ્યમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણો આવ્યા, રોજગારીની તકો વધી, ગુજરાતની વિકાસ કૂચ આગળ વધી તેમજ રાજ્યના સર્વાંગી વિકાસ થકી ગુજરાત દેશનું અગ્રેસર મોડલ રાજ્ય તરીકે ગણનાપાત્ર બન્યું છે.રાજ્યમાં આજે કૃષિલક્ષી મૂડીરોકાણો આકર્ષવાના ભાગરૂપે MOU ની પ્રક્રિયા આગળ વધી રહી છે. રાષ્ટ્રની વધતી જતી વસ્તી માટે અન્ન પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપ્લબ્ધ બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેતી માટે પ્રોત્સાહનલક્ષી નીતિ અપનાવી છે. કૃષિ સંશોધનો અને ટેકનોલોજીનો સદુપયોગ કરીને અન્નઉત્પાદનમાં સ્વાવલંબી બનવામાં આપણને સફળતા મળી છે. પ્રાકૃતિક ખેતી કિસાનોની સમૃદ્ધિના દ્વાર ખોલશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ નેચરલ ફાર્મિંગ કોન્કલેવ થકી દેશનો કૃષિ ક્ષેત્રનો વિકાસ અને કૃષિ સમૃધ્ધિ વધશે, નેશનલ ફાર્મિંગને પ્રોત્સાહનથી ખેડૂતોને આર્થિક ફાયદો થવાની સાથે રાજ્યના અર્થતંત્રને ગતિ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીથી તેમજ આણંદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મંત્રીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરપરમાર, કલેકટરઆયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીડી.એસ.ગઢવી સહિત વિવિધ અધિકારીઓ, અગ્રણીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત