સુરત, 16 ડિસેમ્બર : કલા સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે ‘ કલા મહાકુંભ-2021-22 ’ યોજાશે. જેમાં કુલ 30 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ અને60 વર્ષથી વધુ ઉમરના એમ કુલ ચાર વય જૂથમાં સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 6 જાન્યુઆરી-2022 સુધી રજિસ્ટ્રેશન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ એમ કુલ 9 સ્પર્ધાઓ, જિલ્લા કક્ષાએ સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દૂહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓર્ગન કુલ 8 સ્પર્ધાઓ, પ્રદેશકક્ષાએ ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગિટાર, વાયોલીન એમ કુલ 6 સ્પર્ધાઓ અને રાજ્ય કક્ષાએ પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભાવી, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમ સુરત શહેર તથા ગ્રામ્યની કલાપ્રેમી જનતાને કલા મહાકુંભની વિગતવાર ફોર્મ, નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત પરથી નિયત નમૂનાના પ્રવેશપત્ર મેળવી 6 જાન્યુઆરી-2022 સુધીમાં જમા કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત