સુરત, 15 ડિસેમ્બર : ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું અને તેના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા જવાબદાર છે અને તેઓનું રાજીનામુ લેવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીએ બુધવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્ર પાઠવતા સમયે આપ ના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગત રવિવારે 12મી ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. હિમતનગરના એક ફાર્મ હાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા રાજ્યના ભાવનગર, વડોદરા, કચ્છ, વગેરે સ્થળોએ પરીક્ષાના 2 કલાક અગાઉ પેપર પહોંચી ગયું હતું.જેના કારણે લાંબા સમયથી તનતોડ મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થયો છે. આ પેપર ફીટી જવાના કારણે હજ્જારો વિદ્યાર્થીઓનો કિંમતી સમય અને નાણાંનો વેડફાટ થયો છે. સાચી મહેનત કરીને જીવનમાં આગળ વધવા માટે મહેનત કરનારા વિદ્યાર્થીઓને આ ઘટનાથી માનસિક આઘાત લાગ્યો છે.આ ઘટનાના દોષિતોને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ. હાલના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આશિત વોરા આ આગાઉ રાજકીય પક્ષના અગ્રણી રહી ચુક્યા છે ત્યારે, આ સમગ્ર મામલે તેઓ જવાબદાર છે અને તેના રાજીનામાની માંગ કરીએ છીએ તેમજ નિષ્પક્ષ તપાસની પણ માંગ કરીએ છીએ આપ ના યુવા પાંખના પ્રમુખ પંકજ ધામેલીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત