ગુજરાતમાં અંદાજિત રૂ.1000 કરોડના રોકાણથી 500 કેએલડી નો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થપાશે

પ્રાદેશિક
Spread the love

ગાંધીનગર, 17 ડિસેમ્બર : ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ-GACL અને ભારત સરકારના સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા લિમિટેડ-GAIL વચ્ચે રાજ્યમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયેલા આ MOU અંતર્ગત ગુજરાતમાં અંદાજે 1000 કરોડના રોકાણ સાથે 500 કિલો લીટર પ્રતિદિનની ક્ષમતાનો બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે.આ MOU પર GACLના મેનેજિંગ ડિરેકટર મિલીન્દ તોરવણે અને GAILના બિઝનેશ ડેવલપમેન્ટ ડિરેકટર એમ.વી. ઐયરે હસ્તાક્ષર કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે દેશમાં ક્રુડ ઓઇલની આયાત ઘટાડીને ફોરેન એક્સચેન્જની બચતના ઉદ્દેશથી આગામી 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડીંગ માટેનો રોડ મેપ લોન્ચ કર્યો છે ગુજરાતમાં GACL અને GAILના સંયુકત સહયોગથી સ્થપાનારો આ બાયોઇથેનોલ પ્લાન્ટ પ્રધાનમંત્રીના આ લક્ષ્યને સિદ્ધ કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં મહત્વપૂર્ણ પરિમાણ બનશે. આ પ્લાન્ટમાં ફીડસ્ટોક તરીકે મકાઈ કે ચોખાના ભૂસાનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ટેક્નોલોજી દ્વારા 500 કેએલડી (કિલો લીટર પ્રતિ દિવસ) બાયોઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. બાય-પ્રોડક્ટ તરીકે અંદાજે 135 કેટીપીએ જેટલું પ્રોટીન-રીચ એનિમલ ફીડ અને 16.50 કેટીપીએ જેટલું કોર્ન-ઓઈલ પ્રાપ્ત થશે.આ બાયોઈથેનોલ પ્લાન્ટથી અંદાજિત વાર્ષિક રૂ. 1500 કરોડનું ટર્ન ઓવર થશે અને અંદાજે 700 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. આ ઉપરાંત, ક્રુડ ઓઈલની આયાત ઘટવાને લીધે ફોરેન એક્સ્ચેન્જમાં દર વર્ષે અંદાજે 70 મિલિયન યુએસ ડોલર જેટલી બચત પણ થશે. એટલું જ નહિ, ખેડૂતો પાસે મોટાપાયે મકાઈની ખરીદી કરવામાં આવતા તેમના માટે આવકના નવા દ્વાર ખુલશે તથા મકાઇ પકવતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ પણ વધશે.
આ MOU સાઇનીંગ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, GAIL ના સીએમડી મનોજ જૈન તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *