સુરત, 19 ડિસેમ્બર : ‘ પ્રખ્યાત બ્રાન્ડના વેપારીઓ અમારી પાસેથી હેન્ડમેડ વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી કરી જતાં હતા, એટલે મને વિચાર આવ્યો કે, મારી પોતાની બ્રાન્ડ કેમ ન બનાવું? આ વિચારને વાસ્તવિકતામાં ફેરવવા માટે વર્ષ 2015માં પાંચ મહિલાઓના સહયોગથી કેમિક્લયુક્ત પદાર્થનો ઉપયોગ કર્યા વગર હેન્ડવર્ક કરી નેચરલ સાડી સહિત વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. આજે મારી સાથે 40 મહિલાઓ અને 15 પુરૂષો કામ કરે છે, અને વાર્ષિક રૂ.80 લાખનું ટર્ન ઓવર કરૂ છું.’વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘હુનર હાટ’માં હેન્ડલુમ ચીજવસ્તુના વેચાણ માટે સુરત આવેલા કોલકાતા,પશ્ચિમ બંગાળના ફાતિમા ખાને પોતાની કહાની શેર કરી હતી.
દેશવિદેશના વિવિધ એક્ઝિબિશનમાં ભાગ લેનાર 33 વર્ષિય ફાતિમા ખાને જણાવ્યું કે, ‘મેં નાનપણથી જ પોતાનો બિઝનેસ શરૂ કરી અન્યને રોજગારી આપવાનું ધ્યેય રાખ્યું હતું. મારા પતિ એક્સપોર્ટનું કામ કરતા હતા, ત્યારે એમની અનુમતિ લઇ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો અને રેશમના દોરામાંથી ઘરગથ્થુ હેન્ડવર્ક કરી કેમિક્લયુક્ત સાડી સહિતની વિવિધ વસ્તુ બનાવવાનું શરૂ કર્યું. જેમાં વધુ વળતર અને ગ્રાહકોનો હકારાત્મક પ્રતિભાવ મળવા લાગ્યો હતો. અમે જે વર્ક કરી વસ્તુઓ તૈયાર કરતાં હતા, તે મોટી કંપનીઓ અમારી પાસે ખરીદી કરીને પોતાની બ્રાન્ડનું નામ લગાડી વેચતાં હતા. જેથી એક દિવસ પતિએ કહ્યું કે, ‘આપણે પોતાની જ બ્રાન્ડ બનાવવી જોઇએ.’ પતિના સાથ સહકારથી અમે પાંચ મહિલાથી શરૂઆત કરી હતી.
ફાતિમા ખાન જણાવે છે કે, અનેક મુશ્કેલી આવી છતાં અમે હાર્યા વગર આગળ વધતાં હતાં. ધીમે ધીમે અન્ય મહિલાઓ પણ જોડાતી ગઈ. આજે 40 મહિલા અને 15 પુરૂષો એન કુલ મળીને 55 લોકો અમારી સાથે કામ કરી રોજગારી મેળવે છે. અમે સિલ્ક, પ્રોપર મસલી કોટન(બંગાળની પ્રખ્યાત), લિનનની સાડીઓ અને દુપટ્ટાઓ બનાવવાનું શરૂ કર્યું છે. દર વર્ષે 10થી વધારે એક્ઝિબિશનમાં ભાગ લઉ છું, દેશવિદેશમાં અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. જો દૃઢ મનોબળથી મહેનત કરવામાં આવે તો સફળતા મળશે જ. દિલથી કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી એમ એમણે ઉમેર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત