11 હુનર હાટ તેમજ દેશના વિવિધ 60 થી 70 એક્ઝિબીશનમાં ભાગ લેનાર રાજકોટના દોશી દંપતિ

સ્થાનિક
Spread the love

સુરત, 19 ડિસેમ્બર : સુરતના ‘હુનર હાટ’માં સરકારના ‘વોકલ ફોર લોકલ’ તેમજ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી દિશા તરફ લઈ જતા દેશ-વિદેશના હુનરબાજોએ બનાવેલી માટીની વસ્તુઓ, એમ્બ્રોઈડરી, ઈન્ટીરિયર, પ્લાસ્ટિકફ્રી પેપર બેગ જેવી અનેકવિધ વસ્તુઓ સુરતીઓની પ્રિય બની છે. આ કલાકારોનું હુનર અદ્દભુત અને કાબિલેદાદ છે. આવા જ રાજકોટના એક હુનરબાજ દંપતિ 44 વર્ષીય ભાવેશભાઈ દોશી અને 42 વર્ષીય મિનલબેન દોશી સુરત આવીને પોતાની કલાકૃતિઓનું વેચાણ કરી રહ્યાં છે. આ દંપતિ છેલ્લા 15 વર્ષથી હસ્તકલાના ક્ષેત્રમાં કાર્યરત છે. જેમણે આજ દિન સુધી દેશના વિવિધ 60થી 70 એક્ઝિબીશનમાં ભાગ લઈ તેમની કલાનું પ્રદર્શન કર્યું છે. જેમની પ્રોડક્ટસને ‘કૌન બનેગા કરોડપતિ’-કે.બી.સી ના સ્ટેજ પર બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ સરાહના કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોન કલ્ચર (ઉદયપુર અને ગોવા), ઇન્ડેક્સ-સી તેમજ ગુજરાત મહિલા આર્થિક નિગમના અનેક એક્ઝિબીશનમાં ભાગ લેનાર મિનલબેન જણાવે છે કે, વર્ષ 2016માં દિલ્હી ખાતે મેં અને મારા પતિએ પ્રથમવાર ‘હુનર હાટ’માં ભાગ લીધો હતો, આજે સુરતમાં અમારો આ 11મો ‘હુનર હાટ’ છે. મારા સાસુ-સસરા દ્વારા મને કલાનો વારસો મળ્યો છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, ‘સાસુ-સસરા માટીના કોડીયા બનાવી દિવાળીમાં વેચાણ કરતાં હતા. તેમના આ વ્યવસાયને વર્ષ 2006માં અમે બંનેએ આગળ વધારતા માટીની બીજી પ્રોડક્ટ જેવી કે તોરણ, શો-પીસ, ઘર સજાવટની વસ્તુઓ, ફ્લેક્સિબલ વોટર ફાઉન્ટનને સ્ટોન અને કલર દ્વારા તૈયાર કરી વેચીએ છીએ. છેલ્લા 9 વર્ષથી અમારા વ્યવસાય સાથે અન્ય 10થી 12 મહિલાઓ જોડાઈ સ્વનિર્ભર બનીને રોજગારી મેળવી રહી છે એમ તેઓ જણાવે છે.
વર્ષ 2020માં 10માં ધોરણમાં 89 ટકા મેળવનાર મિનલબેનની 17 વર્ષીય પુત્રી આયુષી દોશી હાલ ધો.11 સાયન્સ (બાયોલોજી)માં અભ્યાસ કરે છે. તેજસ્વી અને કલાપ્રેમી આયુષી માતાપિતાને ફ્રી સમયમાં કામમાં મદદરૂપ થાય છે. આયુષી જણાવે છે કે, ‘મને જેટલો સ્ટડી સાથે પ્રેમ છે, એટલો જ ઝૂકાવ કલા પ્રત્યે પણ છે. અભ્યાસ સિવાયના સમયમાં હું માતા-પિતાને કામમાં હેલ્પ કરૂ છું. આ સાથે મને પેઈન્ટિંગ, ટ્રાવેલિંગ અને ડાન્સનો પણ શોખ છે. હું છેલ્લા 5 વર્ષથી કથ્થક ડાન્સ કરી રહી છું, તેમજ શાળાના એન્યુઅલ ફંકશનમાં પણ કથ્થક નૃત્ય રજૂ કરૂ છું. ભવિષ્યમાં પણ નેશનલ-ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું અને બાયોલોજીના પ્રોફેસર બનવાનું સ્વપ્ન છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *