સુરત, 20 ડિસેમ્બર : સમગ્ર વિશ્વ પર હવે કોરોનાના નવા બદલાયેલા સ્વરૂપ ઓમીક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે, ભારતમાં પણ ઓમીક્રોનની ધીમા પરંતુ મક્કમ પગલે થયેલી એન્ટ્રી હવે સત્તાધીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. સુરતમાં પણ આ નવા વેરિયન્ટ ઓમીક્રોનના 2 દર્દીઓ નોંધાતા તંત્ર હવે એલર્ટ થયું છે અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.સોમવારે સુરત શહેરના તમામ ઝોનના હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ સાથે અધિકારીઓ દ્વારા એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.જેમાં, ઓમીક્રોનના સંભવિત ખતરા અંગે તેમજ સંક્રમણ વધે તો કેવી તકેદારી રાખવી અને કેવી રીતે કામગીરી કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં રસીકરણની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ સર્વેલન્સની કામગીરી દરમિયાન ક્યાં પ્રકારની તકેદારી રાખવી વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં વધ ઘટ થવાની સંભાવના છે. બીજી તરફ ચિંતાનો વિષય એ છે કે લોકો ભારે બેદરકારી દાખવી રહ્યા છે.કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરતા નથી.જોકે, આ બેઠકમાં શહેરીજનોને રાખવામાં તકેદારી રાખવા અંગે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી પરંતુ, વિવિધ રાજકીય પક્ષો દ્વારા યોજાતા બેરોકટોક કાર્યક્રમો અને તેમાં કોરોનાની ગાઇડલાઇનના જે રીતે લિરા ઉડી રહ્યા છે.તે અંગે કોઈ ચર્ચા કરી ન હતી.સુરત શહેરના વનિતા વિશ્રામ મેદાનમાં હાલ હુનર હાટ ચાલી રહ્યું છે તેની પ્રતિ દિન હજ્જારોની સંખ્યામાં નાગરિકો મુલાકાત કરી રહ્યા છે. ત્યાં, પણ ગાઇડલાઇનનો છેડે ચોક ભંગ થઇ રહ્યો છે અને તેમાં ઉમટી રહેલી મેદની આ મહામારીને નિમંત્રણ આપે તો નવાઈ નહીં..!! ત્યારે, આ અંગે તંત્ર ચુપકીદી સેવી રહ્યું છે.
અટલ રાષ્ટ્ર // ભાવેશ ત્રિવેદી // સુરત