ગાંધીનગર : ગૌણ સેવા પંસદગી મંડળના પેપર લીક મામલે સોમવારે ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” પર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે પ્રદર્શન કર્યુ તે ઘટનાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે.
21મી ડિસેમ્બર મંગળવારના રોજ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ગૌણ સેવા પંસદગી મંડળના પેપર લીક મામલે માહિતી આપતા જણાવ્યું કે, પેપર લીક મામલે ગુન્હો દાખલ થયો છે. પેપર લીકની ઘટના દુરભાગ્યપુર્ણ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સુચના આપીને 14 થી વધુ ગુનેગારોને તાત્કાલીક ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. પેપર લીક મામલે તપાસમાં કોઇ પણ વ્યકિત દોષિત હશે તો તેને છોડવામાં નહી આવે. 88 હજાર યુવાનોએ પરિક્ષા આપી હોય અને તેમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તે કોઈ પણ રીતે ચલાવી ન લેવાય. આ ઘટનાથી ગુજરાતના યુવાનોનો વિશ્વાસ ન તૂટે તે માટે સરકાર પુરતા પગલા લેશે તેમ સરકાર તરફથી સંગઠનને વિશ્વાસ આપવામાં આવ્યો છે. પેપર લીક જેવી ઘટના ફરી ન બને તે માટે આગળ પરિક્ષા કેવી રીતે લેવી તે માટે જે તૈયારીઓ જણાવી છે તેનાથી મને વિશ્વાસ છે કે હવે પેપર લીક થવાની શકયતા લગભગ નહીવત છે.
પાટીલએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને ગૃહમંત્રી દ્વારા યુવાનોનો વિશ્વાસ ન તૂટે તે માટે ઝડપથી પેપર લીકનો કેસ ચલાવી દોષિતોને દ્રષ્ટાંત રૂપ સજા આપવામાં આવશે.પેપરલીક મામલે રાજકીય પાર્ટીઓ વિરોધ કરે એ તેમની ફરજનો ભાગ છે પણ ગઇકાલે જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કાર્યાલયમાં જબરજસ્તી ઘુસીને ત્યા હાજર આગેવાનો સાથે જે રીતે વર્તન કર્યુ તે કોઇ પણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી અને સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી,આવી ઘટના ફરી ન બને તે માટે રાજકીય પાર્ટીઓ એ જવાબદારી પૂર્વક વર્તવાની જરૂર છે
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રી રજની પટેલ, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશના પ્રવકતા યમલ વ્યાસ, સહ પ્રવકતા કિશોર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત