સુરત, 21 ડિસેમ્બર : સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની 21 મી બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેકટરએ હાઈવે પર થનારા અકસ્માતોના પ્રમાણમાં ધટાડો થાય તે માટે સક્રિયાપૂર્ણ પ્રયાસો કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. માર્ગ અને મકાન, આર.ટી.ઓ., તથા રાજય અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી /કર્મચારી સહિત સંબંધીત લાઇન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા આ તમામ બ્લેક સ્પોટની રૂબરૂ જોઈન્ટ મુલાકાત લઇને જરુરી મરામત તથા અન્ય આનુષંગીક કાર્યો જેવા કે બિન અધિકૃત દબાણો, અન્ડરપાસ કે ઓવરબ્રીજ પરના ખાડાઓ, અકસ્માત ઝોન પાસે ‘‘ધીમે ચલાવો’’ના સાઇનબોર્ડ, અકસ્માત ઝોન સહિતના સાઇનબોર્ડ લગાવવા, નાલા પર ભયજનક સાઇન દર્શાવતા સાઇનબોર્ડ મુકવા જણાવ્યું હતું. જિલ્લામાં જંગલ વિસ્તારના રસ્તાઓ પર પ્રાણીઓના અકસ્માતો ન સર્જાય તે માટે આવા રસ્તાઓ પર વાહનોની સ્પીડ નક્કી કરવા જણાવ્યું હતું. વધુમાં કલેકટરએ માલવાહક વાહનો તથા બળદગાડા, ઉટગાડાઓની પાછળના ભાગમાં રેડીયમ તથા રેકલેટર લગાવવાની સુચના આપી હતી. નેશનલ હાઈવેના અધિકારીએ ગભેણી, બુધિયા, આભવા અને ખજોદ ચોકડીઓ પર અન્ડપાસ બ્રિજની કામગીરી આગામી સમયમાં કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહનચાલકો અને વાહન માલિકો સામે કરવામાં આવતા દંડનીય કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં આર.ટી.ઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત