સુરત : શહેરના વેસુ ખાતે ‘ સેવા સેતુ ’ કાર્યક્રમ યોજાયો : 1400 લાભાર્થીઓ લાભાન્વિત

સ્થાનિક
Spread the love

સુરત, 22 ડિસેમ્બર : રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને 57 જેટલી વિવિધ પ્રકારની સરકારી સેવાઓ ઘરઆંગણે જ મળી રહે એ માટે સુડા ભવન, વેસુ ખાતે મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષસ્થાને ‘સેવા સેતુ’ યોજાયો હતો. જેમાં 1400 લાભાર્થીઓએ વિવિધ દસ્તાવેજો, યોજનાકીય લાભો સ્થળ પર જ મેળવ્યા હતાં.
આ પ્રસંગે મેયરએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન અને સબળ નેતૃત્વ હેઠળ સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં માટે સરકાર સતત કાર્યરત છે. એક પરિવારની જેમ રાજ્યના નાગરિકોનું જીવન સુખકારી બને તે માટે લોકોપયોગી યોજનાઓનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ અને સંવેદનશીલ રહી છે. શહેરીજનો અને કોર્પોરેટરોના સહયોગથી તાજેતરની મેયર કાઉન્સિલમાં સુરતને આગવું સન્માન પ્રાપ્ત થયું છે. સુરત શહેર વિશ્વ ફલક પર વિકાસના માર્ગે અગ્રેસર બની રહ્યું છે, ત્યારે સુરતવાસીઓને અને જિલ્લાના તમામ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ અને દસ્તાવેજી સેવાઓ મળે એ એમનો અધિકાર છે.’
ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે, ‘હવે સ્માર્ટફોનના ઉપયોગથી સરકારની અનેકવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે, જેથી સ્માર્ટફોનના માધ્યમથી વધુમાં વધુ નાગરિકો ઓનલાઈન સેવાઓનો લાભ મેળવી શકે એ માટે યોગદાન આપવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ થકી મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ અને આવકનો દાખલો જેવા સમયાવધિ પૂર્ણ થતા પુરાવઓને રિન્યુ કરાવી લેવા જરૂરી છે, જેથી કચેરીઓના ધક્કા ખાવા અને સમયનો વ્યય જેવી સમસ્યાઓથી બચી શકશે.’
આ પ્રસંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, દંડક વિનોદ પટેલ, સુડાના ચેરમેન વી.એન.શાહ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, મસ્કતિ હોસ્પિટલનાં ચેરમેન ડો.બળવંત પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિણીપાટિલ તેમજ સુરત મનપાના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *