સુરત, 22 ડિસેમ્બર : ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરત શહેર-જિલ્લામાં બુધવારે કોરોનામાં ફરીથી ઉછાળો નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.બીજી તરફ 170 દિવસ બાદ સુરત શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું છે.જેને લઈને શહેરીજનોમાં પણ ચિંતા વ્યાપી છે.
સમગ્ર દેશ દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન તરખાટ મચાવ્યો છે.ભારતમાં પણ હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે.આગામી ફેબ્રુઆરી મહિનામાં દેશભરમાં ત્રીજી લહેર આવવા અંગેની આગાહી વિશેષજ્ઞોએ કરી છે. ત્યારે, ગુજરાતમાં પણ ફરીથી એક વાર કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 91 દર્દીઓ નોંધાયા છે અને 2 દર્દીના મોત થયા છે.જયારે સુરત શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓમાં ઉછાળા સાથે 16 અને જિલ્લામાં 1 દર્દી મળીને કુલ 17 દર્દીઓ નોંધાયા છે.શહેરમાં નોંધાયેલા આ નવા 16 દર્દીઓ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,11,990 પર પહોંચી છે.જયારે, જિલ્લામાં નોંધાયેલા 1 દર્દી સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 32229 પર પહોંચ્યો છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 1,44,219 પર પહોંચી છે.સુરત શહેરમાં બુધવારે થયેલા 1 દર્દીના મોત સાથે શહેરમાં મૃતકોનો કુલ આંક 1630 પર પહોંચ્યો છે.જયારે, જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 488 મૃતકો સાથે સુરત શહેર-જિલ્લામાં નોંધાયેલા કુલ મૃતકોનો આંક હવે 2118 પર પહોંચ્યો છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 16 દર્દીઓ પૈકી રાંદેર ઝોનમાં 8, અઠવા ઝોનમાં 7 અને વરાછા એ ઝોનમાં 1 દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક માત્ર પલસાણામાં 1 દર્દી કોરોના ગ્રસ્ત નોંધાયો છે.
સુરત શહેરમાં બુધવારે જે 1 દર્દીએ પ્રાણ ગુમાવ્યા છે.તે શહેરના ભટાર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ હતા.તેઓ હૃદય અને અસ્થમાની બીમારીથી પીડાતા હતા.મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર સાથે તેઓને શહેરની સિવિલ હોસ્પિટલમાં 15મી ડિસેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા.જોકે, સૌથી ચિંતાજનક વાત એ હતી કે આ મૃતક વૃદ્ધ એ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો.સુરત શહેર-જિલ્લામાં બુધવારે નોંધાયેલા 17 કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યાને લઈને હવે તંત્ર એલર્ટ બન્યું છે અને શહેરીજનોને કોરોનાની તમામ ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત